///

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના પદ પરથી રાજીનામા

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ રાજ્યમાં પાર્ટીના નેતૃત્વ પર સતત પ્રશ્ન ઉઠી રહ્યાં હતા. ત્યારે હવે કોંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન બાદ પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આ અંગે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, પેટાચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન બાદ મેં હાઈકમાન્ડ સમક્ષ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને મેં રાજીનામું આપ્યું છે. હવે પાર્ટીનું હાઈકમાન્ડ જે નિર્ણય લે, તે માન્ય રહેશે.

આ ઉપરાંત પરેશ ધાનાણીએ રાજીનામું આપતા વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે શૈલેશ પરમાર, પૂજા વંજ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે. જ્યારે અમિત ચાવડાની જગ્યાએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરનું નામ ચર્ચામાં છે.

મહત્વનું છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યની 26 બેઠકોમાંથી એક પણ બેઠક મેળવી શકી નહતી. જ્યારે હાલની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આમ રાજ્યમાં પાર્ટીનું સતત નિરાશાજનક પ્રદર્શન જોતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા આપવાની રજૂઆત કરી હતી.

નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં છે. તેઓએ પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજયને લઈને રિપોર્ટ બનાવીને હાઈકમાન્ડને મોકલી દીધો છે. હવે જ્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામુ આપ્યું છે, ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદેથી રાજીનામુ ધરી દે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.