////

અમદાવાદમાં AMTS-BRTS બસ બંધ કરાતા પરિમલ નથવાણીએ સવાલ ઉઠાવ્યા

અમદાવાદમાં કોરોનાના વધતા કેસને પગલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા AMTS-BRTS બસને અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે AMCના આ નિર્ણય પર સાંસદ પરિમલ નથવાણીએ પશ્ન ઉઠાવ્યા છે.

જેમાં પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, AMTS-BRTS બસ ઘણા લોકો માટે ખાસ પરિવહનનો માર્ગ છે. ખાસ કરીને આજીવિકા મેળવતા લોકો અને અનેક વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરે છે. તમે બસને બંધ કરીને રીક્ષાવાળાઓને લૂંટવાની તક આપી છે. પરિમલ નથવાણીએ સાથે જ 50% બેઠક સાથે AMTS-BRTS બસને ચાલુ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સલાહ આપી છે.

મહત્વપૂર્ણ છે કે, ગુજરાત યૂનિવર્સિટીની આજથી પરીક્ષા શરૂ થઇ છે. ત્યારે AMTS-BRTS બસને અચાનક જ કોરોના સંક્રમણ વકરતા અચાનક બંધ કરવામાં આવતા હજારો પરીક્ષાર્થીઓ રઝળી પડ્યા હતા અને રીક્ષામાં મનફાવે તેટલા રૂપિયા ચુકવીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. AMCના નવનિયુક્ત મેયર સામે આ નિર્ણય બદલ વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 1122 લોકો કોરોનામાં સપડાયા છે, જ્યારે વધુ 3 લોકોના મોત કોરોનાના કારણે થયું છે. જોકે આ દરમિયાન 775 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાના કેસો વધતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.