////

રાજ્યમાં આવતીકાલથી 27 મે સુધી આંશિક લોકડાઉન, સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે : CM રૂપાણી

રાજ્યમાં કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે રાત્રિ કરફ્યૂ સહિત અનેક કડક પ્રતિબંધો લાગૂ છે. જેની સમય મર્યાદા આજે પૂરી થઈ રહી છે. રાજ્યના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટછાટ આપી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે ગયા છે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના પીપાવાવમાં કહ્યું કે, હવે 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધો લાગૂ છે ત્યાં વેપારીઓ સવારે 9થી બપોરે 3 કલાક સુધી દુકાનો ખોલી શકશે. હવે જીવન જરૂરીયાત સિવાય અન્ય વસ્તુઓની દુકાનો પણ ખોલી શકાશે. આ છૂટછાટ 27 મે સુધી અમલમાં રહેશે.

રાજ્યમાં અત્યાર સુધી રાત્રિ કરફ્યૂને કારણે 8 મહાનગરો સહિત 36 શહેરોમાં માત્ર જીવન જરૂરીયાતોની દુકાનો અને વેપાર ધંધા ચાલુ હતા. પરંતુ હવે મુખ્યમંત્રીએ વેપારીઓને રાહત આપતા સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખોલવાની છૂટ આપી છે.

ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ છે. હવે અહીં વેપારીઓ મર્યાદિત સમય માટે પોતાની દુકાનો ખોલી શકશે.

Leave a Reply

Your email address will not be published.