/////

દેશમાં કોરોના વાઇરસના કેસમાં આંશિક રાહત

ભારતમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર બાકી બીજા દેશોની તુલનાએ ભારતમાં કોરોના રિકવરી રેટ સૌથી વધારે છે. આ બધા વચ્ચે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે કે સપ્ટેમ્બર મહિનાની તુલનાએ ઓક્ટોબરમાં 9 લાખ ઓછા દર્દી નોંધાયા છે. 1 ઓક્ટોબરથી 29 ઓક્ટોબરની વચ્ચે કોરોના દર્દીઓનો આંકડો 17 લાખ નોંધવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં આ આંકડો 26 લાખ રહ્યો હતો. એટલે કે 9 લાખ દર્દીઓ ઓછા નોંધાયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના આંકડાને લઈ રાહતનો શ્વાસ લેવામાં આવી રહ્યો છે, ત્યાં દિલ્હી અને કેરળના આંકડા ચિંતા વધારી રહ્યા છે. covid19india.orgના આંકડાઓ મુજબ, દિલ્હીમાં 29 ઓક્ટોબરે રેકોર્ડ 5739 દર્દી નોંધાયા છે. એક્ટિવ કેસોમાં 1574નો વધારો નોંધાયો છે. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો હવે વધીને 3 લાખ 75 હજાર 753 થઈ ગયો છે. જેમાં 3 લાખ 38 હજાર 378 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. બીજી તરફ 30 હજાર 952 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 6423 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 48,648 નવા કેસ સામે આવ્યા છે, જેનાથી ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસ 80,88,851 થયા છે. બીજી તરફ 563 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેના પગલે કુલ મૃત્યુઆંક 1,21,090એ પહોંચી ગયો છે.

દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 73 લાખ 73 હજાર 375 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. હાલ 5,94,386 કેસ એક્ટિવ છે. બીજી તરફ, ICMRએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,77,28,088 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના 24 કલાકમાં 11,64,648 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.