////

કોરોનાનું ગ્રહણ : 32 વર્ષથી પૂર જોશમાં ચાલતો પટેલ ટ્રાવેલ્સનો ધંધો થશે બંધ

રાજ્યમાં ફરી એકવાક કોરોના વાઈરસે માથું ઉચક્યું છે. જેને પગલે ગુજરાત સહિત દેશના લોકોની આર્થિક સ્થિતિને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. એવામાં અમદાવાદમાં કોરોના મહામારીને કારણે ધંધામાં નુકસાનનો સામનો કરી રહેલા પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકે તેમના વ્યવસાયને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે 32 વર્ષથી જામેલા ધંધાને કોરોનાના 12 મહિના નડી જતા મેઘજીભાઈ ખેતાણીએ કોરોનાના કપરા કાળ સામે હાર માની લીધી છે.

કોરોનાને કારણે આર્થિક નુકસાનનો સામનો કરી રહેલા પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક મેઘજીભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ 300 બસ હતી. જેમાંથી અત્યાર સુધીમાં તેમણે 50 જેટલી બસો વેચી દીધી છે. તો હાલ માત્ર 40 બસનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઉપરાંત 110 બસ અલગ-અલગ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પર આપી છે. ત્યારે 100 બસ કોઈપણ પ્રકારના ઓપરેશન વગર પડી રહી છે. જો કે તેમણે એવું પણ જણાવ્યું છે કે, કોન્ટ્રાકટ પુરો થતા તેઓ અન્ય બસો પણ વેચી દેશે અને આ બસ વેચીને તેઓએ બેંક પાસેથી જે લોન લીધી છે તેની ચુકવણી કરશે.

મેઘજીભાઈ ખેતાણી પોતાના સંઘષ વિશે જણાવતા કહ્યું હતું કે, વર્ષ 1984માં મસ્કતમાં ડ્રાઈવર તરીકે કારકીર્દીની શરૂઆત કરી હતી. બે વર્ષ સુધી ડ્રાઈવર તરીકે નોકરી કર્યા બાદ તેઓ કચ્છ પરત ફર્યા હતા અને એક ટેમ્પો ખરીદ્યો હતો. ત્યારબાદ તેઓએ એક બસની ખરીદી કરી ટ્રાવેલ્સના ધંધામાં ઝંપલાવ્યું હતું અને ટ્રાવેલ્સના ધંધામાં પ્રગતી કરી આ ધંધાને 32 વર્ષ સુધી સરસ રીતે ચલાવ્યો હતો.

જો કે, કોરોના કાળ દરમિયાન આર્થિક નુકસાન પહોંચતા તેમને આ ધંધો બંધ કરવાની નોબત આવી અને મોંઘા ભાવે ખરીદેલી બસોને મજબૂરીના કારણે સસ્તા ભાવે વેચવી પડી રહી છે. જો ભવિષ્યમાં સારી તક દેખાશે તો ફરી પાછા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં પરત ફરશું.

Leave a Reply

Your email address will not be published.