///

PDPU દીક્ષાંત સમારંભ : વડાપ્રધાન મોદીએ કહ્યું, દેશમાં એનર્જી ક્ષેત્રમાં અનેક સંભાવનાઓ છે…

ગાંધીનગરમાં આવેલી પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યૂનિવર્સિટીનો આઠમો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં વડાપ્રધાન મોદી, રિલાયન્સના ચેરમેન તેમજ પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું. સાથે જ આ સમારંભમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ આઠમા દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યુ હતું.

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા કહ્યું કે, સંસ્થામાંથી પાસ થનારા વિદ્યાર્થી દેશની નવી તાકાત બનશે. પંડિત દીન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યૂનિવર્સિટીના 8માં કોન્વોકેશનના પ્રસંગે તમને બધાને ઘણી શુભેચ્છા. આજે જે સાથી ગ્રેજ્યુએટ થઇ રહ્યા છે, તેમના અને તેમના માતા-પિતાને પણ ઘણી શુભકામનાઓ. એક સમય હતો જ્યારે લોકો સવાલ ઉઠાવતા હતા કે, આ રીતની યૂનિવર્સિટી કેટલી આગળ વધી શકશે પરંતુ અહીના વિદ્યાર્થીઓએ, પ્રોફેસર્સે અને અહીથી નીકળનારા પ્રોફેશનલ્સે આ તમામ સવાલોનો જવાબ આપી દીધો છે. આજે તમે એવા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પગ મુકી રહ્યા છો જ્યારે મહામારીને કારણે પૂરી દુનિયાના ઉર્જા ક્ષેત્રમાં પણ મોટા બદલાવ થઇ રહ્યા છે. એવામાં આજે ભારતમાં એનર્જી ક્ષેત્રમાં ગ્રોથની, આંતરપ્રિન્યોર્શિપની અનેક સંભાવનાઓ છે.

આ ઉપરાંત મુકેશ અંબાણીએ કહ્યું કે, PDPU નરેન્દ્રભાઇના આત્મનિર્ભર ભારતના સ્વપ્નની ફળશ્રૃતિ છે. ભારતને ઉર્જા શિક્ષણમાં આત્મનિર્ભર બનાવવા માટેનો આ પ્રયાસ છે. આપણે ફક્ત 14 વર્ષ જૂના જ છીએ છતાં રાષ્ટ્રીય સ્તરથી લઇને વૈશ્વિક ફલકે આપણે પ્રગતિ કરીશું. આગામી સમય ભારતનો છે, Covid19 પછીના દાયકામાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંથી એક હશે. આગામી સમયમાં ભારતની ઉર્જાની માંગ પુરી કરવા માટે અને પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે ઉર્જા ક્ષેત્રની અંદર અનેક નવા સંશોધન કરવા પડશે. હું વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવુ છું કે તમે સાચા ક્ષેત્રમાં કરિયરનો માર્ગ પસંદ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.