///

માવઠું : રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી, ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો

રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના પગલે જગતનો તાત પણ ચિંતામાં જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિ ઉભી થઈ છે. તો બીજી તરફ, રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી માવઠાના કારણે પલળી ગઈ છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આજે સમગ્ર રાજકોટમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. એક લાખ ગુણી મગફળી ખુલ્લા મેદાનમાં હોવાથી માવઠામાં પલળી ગઈ હતી. મગફળી પલળી જતા મગફળીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેથી આગામી સમયમાં મગફળીના ભાવમાં 10 થી 20 % ઘટાડો જોવા મળશે.

રાજકોટમાં આવેલા બેડી માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને પગલે મોટી માત્રામાં મગફળી પલળી ગઈ છે. ત્યારે કપાસની જેમ મગફળી માટે પણ શેડ બનાવવામાં આવે તેવી ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી છે. કમોસમી માવઠાના કારણે રવિ પાકને પણ મોટું નુકસાન થઇ શકે છે. તો બીજી તરફ, જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળી પલળી ગઈ છે. ખેડૂતોની અને વેપારીઓની ખુલ્લામાં પડેલી મગફળીની બોરીઓ પલળી ગઈ છે. જેથી ખેડૂતોની ભર ઠંડીએ રોવાનો વારો આવ્યો છે.

આ ઉપરાંત ભાવનગરમાં પણ માર્કેટયાર્ડમાં વેપારીઓની મગફળી પલળી ગઈ છે. જોકે, યાર્ડમાં બહાર પડેલી 500 બોરી વરસાદમાં મગફળી પલળી છે. આગાહીના પગલે વેપારીઓએ બાકીનો માલ સુરક્ષિત કરી દીધો હતો. ખેડૂતોને યાર્ડ દ્વારા સૂચના મળી હોવાથી ખેડૂતો મોટા નુકશાનથી બચી ગયા હતા.

ગુજરાત કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સર્વે કરીને રાજ્યના ખેડૂતોને સહાય આપવા માંગ કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન પાસે કાંગ્રેસે સહાય આપવા માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે, જ્યાં માવઠુ થયુ છે ત્યાં સર્વે કરી ભેદભાવ વિના સહાયની જાહેરાત સરકાર કરે. એક તરફ સરકારનો અન્યાય અને બીજી તરફ કુદરતનો પ્રકોપ છે. ખેડૂત બિચારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. માવઠાના કારણે ખેડૂતના તૈયાર માલને ખૂબ મોટું નુકસાન થયું છે.

રાજ્યમાં કપાસ ડાંગર સહિતના રવિ પાકને પણ નુકસાન થયું છે. માવઠાના પગલે ખેડ઼ૂતની સ્થિતિ વધારે કથળી ગઈ છે. ચોમાસામાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. સરકારે તાત્કાલિક સર્વે કરીને વળતર આપવાની જાહેરાત કરી હતી. જેમ તેમ સરવે કરી કેટલાક ખેડૂતોને વળતર આપ્યું હતું. તેમ છતાં કેટલાય તાલુકાના ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હતા. ખેડૂતો માટેના કાળા કાયદા ઉત્પાદનનો પૂરતો ભાવ નથી મળતો, ત્યાં માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.

Leave a Reply

Your email address will not be published.