///

ખેડૂત આંદોલનથી રાજ્યની આર્થિક સ્થિતિ અને દેશની સુરક્ષાને જોખમ છે : પંજાબ CM

આજનો દિવસ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો માટે મહત્વનો છે. કારણ કે કેન્દ્ર સરકારના પ્રધાનો સાથે ખેડૂતોની વાતચીત હાલ ચાલુ છે. આ તમામ વચ્ચે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી. ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યાં છે. સાથે જ પંજાબ સહિત દેશના અનેક રાજ્યોના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહ આજે ખેડૂત આંદોલન પર વાતચીત માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા છે. જેમાં અમરિન્દર સિંહે શાહ સાથેની મુલાકાત બાદ કહ્યું કે, ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ચાલુ છે. તેમાં મારે કશું કરવાનું નથી. ખેડૂત આંદોલનથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે. મેં શાહ સાથેની મુલાકાતમાં મારો વિરોધ વ્યક્ત કર્યો છે અને આ મુદ્દે જલદી ઉકેલ લાવવાની માગણી પણ કરી છે. આ સમસ્યાનું જલદી સમાધાન થવું જોઈએ કારણ કે તેનાથી મારા રાજ્યની આર્થિક સ્થિતિ અને દેશની સુરક્ષાને જોખમ છે.

તો બીજી બાડુ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર સતત ખેડૂતો સાથે વાત કરી રહી છે. ત્યારે આજે ચોથા રાઉન્ડની વાતચીત છે. અમને કઈંક સકારાત્મક પરિણામની આશા છે.

આજે સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં 40 ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ છે. કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે પ્રધાન પિયુષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગરાજ્ય પ્રધાન સોમ પ્રકાશ ખેડૂતો સાથે વાતચીત માટે વિજ્ઞાન ભવન પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published.