////

સુરતમાં બહારથી આવતા લોકોએ હવે સાત દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે

સુરતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા મહાનગરપાલિકા પણ હરકતામાં આવ્યું છે. જેમાં સુરતમાં બહારથી આવતા લોકોએ હવે સાત દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. સાથે જ માસ્ક નહીં પહેરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને 1000 રૂપિયા દંડ ઉઘરાવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સુરતમાં બહારથી આવતા તમામ વ્યક્તિએ ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન થવું તેમજ ઘરમાં પણ અન્ય વ્યક્તિને સંક્રમણ ના થાય તે માટે અલગથી હોમ આઇસોલેશનમાં રહેવાનું રહેશે અને તે દરમિયાન જો લક્ષણો જણાય તો તાત્કાલિક કોવિડ-19નો ટેસ્ટ કરાવવાનો રહેશે.

સાથે જ આ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ સામે IPCની કલમ-188, એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરતમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાના મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યા છે. માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસુલવામાં આવશે. તો શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસિસને ઓફલાઇન બંધ કરી ઓનલાઇન કરવામાં આવ્યા છે. જોકે, પરીક્ષા જ ગાઇડલાઇન મુજબ ઓફલાઇન લઇ શકાશે.

નોંધનીય છે કે, સુરતમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને ગ્રામ્યમાં 292 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 263 જ્યારે ગ્રામ્યમાં 29 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે જેને કારણે તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 954 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.