કેટલાક ધારાસભ્યો પોતાનું અંગત કારણ આપીને એક રાજકીય પક્ષમાંથી રાજીનામુ આપી અન્ય પાર્ટીમાં જોડાતા હોવાથી ચૂંટણી પંચને ફરીવાર પેટા-ચૂંટણી યોજવી પડે છે. જેથી પ્રજાના પૈસાનું નુકસાન ન થાય તે માટે પક્ષપલટું ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચની રકમ પરત વસૂલવાના નિયમો કરવામાં આવે તેવી માંગ સાથે જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે.
જોકે કોઈપણ બેઠક પર ચૂંટણી યોજવામાં 1થી 2 કરોડ રૂપિયાનો ખર્ચ આવતો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ડિસ-ક્વોલિફિકેશનને ટાળવા માટે ધારાસભ્યો અંગત કારણો આપી એક રાજકીય પક્ષમાંથી રાજીનામું આપી અન્ય રાજનૈતિક પક્ષ સાથે જોડાઈ તેમની ટિકિટ પર ફરીવાર ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા થાય છે.
ત્યારે વર્ષ 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી જીતેલા 77 ધારાસભ્યો પૈકી 15 ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપ સાથે જોડાયેલા છે અને આ 15 પૈકી 10 ધારાસભ્યોએ શાસક પક્ષ ભાજપમાંથી ટિકિટ મેળવી ફરીવાર ચૂંટણી લડી છે. ડિસક્વોલિફિકેશનને ટાળવા માટે આ પ્રકારનો વ્યૂહ અપનાવવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જેને લઈને પક્ષપલટુ ધારાસભ્ય પાસેથી પેટા ચૂંટણી યોજવાનો ખર્ચ વસૂલવામાં આવે તેવા નિયમો ચૂંટણી પંચ ઘડે તેવી માંગ કરતી જાહેરહિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે.