અમદાવાદમાં બે વર્ષ બાદ એકવાર ફરી પેટ્રોલનો ભાવમાં આગજની આવી છે. પેટ્રોલનો ભાવ અમદાવાદ શહેરમાં 80 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
શહેરમાં પેટ્રોલનો ભાવ 80.80 રૂપિયા પર પહોંચ્યો છે. આ અગાઉ ઓક્ટોબર 2018માં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર પહોંચ્યો હતો. છેલ્લા એક માસમાં પેટ્રોલનો ભાવ 1.96 રૂપિયા જેટલો વધ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં ડીઝલનો ભાવ પણ 80 રૂપિયાની નજીક પહોંચ્યો છે. ડીઝલનો ભાવ 79.25 રૂપિયા જઈ પહોંચ્યો છે. છેલ્લા એક માસમાં ડીઝલની કિંમતમાં 3.06 રૂપિયા જેટલો જંગી વધારો નોંધાયો છે. વધતી જતી પેટ્રોલ-ડીઝલની કિંમતો શહેરીજનોના બજેટ પર પણ અસર કરી રહી છે.
પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં રવિવારે વધારો થયો છે. કંપનીઓએ દિલ્હીમાં 28 પૈસા અને 29 પૈસાનો વધારો કર્યો છે. તેનાથી રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે. જ્યારે ડીઝલનો ભાવ 73.61 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં આવેલી તેજીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કાચા તેલ બ્રેંટ ક્રુડનો ભાવ 50 ડોલર પ્રતિ બેરલને નજીક પહોંચી ગયો છે. આ પહેલા તેલ કંપનીઓએ શનિવારે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 27 પૈસા, કોલકાત્તા અને મુંબઈમાં 26 પૈસા, જ્યારે કે ચેન્નાઈમાં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ આવતો રહે છે. સવારે 6 કલાકી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય બાબતો જોડ્યા બાદ તેના ભાવ લગભગ ડબલ થઈ જાય છે.