///

ડ્રીમ પ્રોજેક્ટ : બૂલેટ ટ્રેનના પ્રથમ લૂકની તસવીરો જાપાને કરી જાહેર

વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પ્રથમ તસવીરો ભારતમાં જાપાનના દુતાવાસે જાહેર કરી છે. E-5 સિરીઝની જાપાનની નવી બુલેટ ટ્રેનને ભારતીય રેલ નેટવર્ક પ્રમાણે મોડિફાઈ કરવામાં આવશે. જે અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ નેટવર્ક પર 350 કિમી/કલાકની ઝડપે દોડશે.

મહત્વનું છે કે વર્ષ 2023 સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વર્ષ 2017માં વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ આ પ્રોજેક્ટનું અમદાવાદના સાબરમતી ખાતેથી ભૂમિપૂજન કર્યું હતું.

508 કિમી લાંબા અમદાવાદ-મુંબઈ રૂટ પર દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું સ્વપ્ન વડાપ્રધાન મોદીએ જોયું હતું. આ તકે આ પ્રોજેક્ટ પર જો ધારા ધોરણ મુજબ કામ થતુ રહેશે તો આશા છે કે વર્ષ 2023 સુધીમાં સ્વપ્ન સાકાર થઈ જશે અને અમદાવાદ-મુંબઈ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડતી થશે.

આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સીધી અને આડકતરી રીતે 90 હજારથી વધુ રોજગાર ઉપલબ્ધ થવાનો દાવો કરવામાં આવ્યો છે. કુલ 1.08 લાખ કરોડના પ્રસ્તાવિત ખર્ચમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે.

હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલમાર્ગે 7થી 12 કલાક જેટલો સમય લાગે છે, જે બુલેટ ટ્રેનથી ઘટીને 2.5 કલાક થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે જ્યારથી આ પ્રોજેકટની જાહેરાત થઈ ત્યારથી જ અનેક વિવાદ અને અવરોધ સામે આવ્યા છે. પણ આ તમામ અવરોધો પાર કરીને ડિસેમ્બર 2023માં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો આશાવાદ જાપાને વ્યક્ત કર્યો છે.

તાજેતરમાં જ આ પ્રોજેક્ટ માટેના જમીન સંપાદન વિવાદનો ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારના રાજકીય વિરોધની આ પ્રોજેક્ટ પર અસર નહિ પડે તો આ સ્વપ્ન 2023માં સાકાર થતું ચોક્કસ જોવા મળશે. જેનો સીધો લાભ મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોને મળશે.

ભારતીય રેલવેને 508 કિલોમીટર લાંબી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલવે કોરિડોર માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તમામ અપેક્ષિત વન્યજીત, વાનિકી અને તટીય વ્યવહારની મંજૂરી મળી ગઈ છે. મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પૂરા કરવાની પ્રારંભિત સમય મર્યાદા 2023 છે.

Leave a Reply

Your email address will not be published.