///

મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં PIL

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ત્રણ મહિના સુધી મુલતવી રાખવાના જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને સમયસર યોજવાની માગ કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટમાં એક એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે 13 કરોડની વસ્તી ધરાવતા બિહારમાં વિધાનસભાની ચૂંટણી ન યોજવા મુદ્દે કરાયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે ગુજરાતની વસ્તી બિહારની સરખામણીએ ખૂબ જ ઓછી છે, જેથી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને 3 મહિના પાછી ઠેલવવા ચૂંટણી પંચના જાહેરનામાને રદ કરવામાં આવે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી યોજવા મુદ્દે પણ ચૂંટણી પંચ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી PILમાં માંગ કરવામાં આવી છે કે મહાનગર પાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પાછળ ઠેલવવાનો ચૂંટણી પંચનો નિણર્ય ગેરબંધારણની કલમ 243-U નું ઉલ્લંઘન છે. ચૂંટણી પંચે સતાનો દૂર-ઉપયોગ કરીને આ જાહેરનામું બહાર પાડ્યું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બિહાર, ગુજરાતની પેટાચૂંટણીઓ, યોજવા મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે. જ્યારે મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિલંબ કરવાનો જાહેરનામું ગેરબંધારણીય છે. બિહારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ગુજરાત કરતાં વધુ હોવા છતાં ત્યાં ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં વિલંબ ગેરબંધારણીય છે.

નોંધનીય છે કે 6 મહાનગર પાલિકા, 55 નગર પાલિકા, 33 જિલ્લા પંચાયત અને 241 તાલુકા પંચાયતની ચૂંટણીનો 5 વર્ષનો કાર્યકાળ નવેમ્બર – ડિસેમ્બર 2020માં પૂર્ણ થતા ચૂંટણી યોજાવાની હતી. પરંતુ ચૂંટણી પંચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ચૂંટણીને ત્રણ મહિના મુલતવી રાખી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોરોનાને લીધે પાછળ ઠેલવામાં આવે તેવી જાહેરહિતની અરજી દાખલ કરી હતી. આ મુદ્દે ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.