////

પશ્ચિમ બંગાળમાં TMC ની જીત પર PM મોદીએ મમતા દીદીને પાઠવી શુભેચ્છા

પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્યો તેમજ એક કેન્દ્ર શાસિત પ્રદેશની યોજાયેલી ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી TMC ને શાનદાર જીત હાંસલ કરી છે. જ્યારે નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ તેમને 1622 મતે પરાજય આપ્યો છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળે દેશ બચાવી લીધો. મમતાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, કોરોનાને જોતા વિજયી જૂલુસ ન કાઢવામાં આવે. કોરોના નિયંત્રણ પહેલી પ્રાથમિકતા છે. નંદીગ્રામમાં ચૂંટણી હારવા પર મમતાએ કહ્યું કે, નંદીગ્રામ વિશે ચિંતા ન કરો. નંદીગ્રામના લોકો જે જનાદેશ આપશે, હું તેનો સ્વીકાર કરુ છું. મારો કોઈ વિરોધ નથી. અમે 221થી વધુ સીટો જીતી અને ભાજપ ચૂંટણી હારી ગયું છે.

પશ્ચિમ બંગાળમાં TMC ની જીત પર પીએમ નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, પશ્વિમ બંગાળમાં જીત માટે મમતા દીદીને શુભેચ્છા. કેન્દ્રના લોકોની આકાંક્ષાઓને પુરી કરવા માટે કોરોના મહામારીને દૂર કરવા માટે પશ્વિમ બંગાળ સરકારને દરેક સંભવ સમર્થન આપવાનું ચાલુ રાખશે.

તો બીજી બાજુ ભાજપના મહાસચિવ અને પશ્વિમ બંગાળમાં પાર્ટી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ પ્રદેશમાં TMC ની જીત પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મમતાજી જીતની શુભેચ્છા! અમે જનતાના ફેંસલાને સ્વીકાર કરીએ છીએ અને વાયદો કરીએ છીએ કે વિધાનસભામાં વિપક્ષની રચનાત્મક ભૂમિકા ભજવશે. પરંતુ તમે તમારા કાર્યકર્તાઓને અનુશાસનમાં રહેવાનો નિર્દેશ આપો. જેથી જીતની ખુશીમાં અમારા કાર્યાલયોને નુકસાન ન પહોંચાડે.

Leave a Reply

Your email address will not be published.