///

વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિત દિગ્ગજ નેતાઓએ પૂર્વ PM વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ

આજે પૂર્વ વડાપ્રધાન તથા ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. ત્યારે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના સદૈવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. ભારત સરકાર અને BJP દેશના અનેક ભાગોમાં આજે કાર્યક્રમ કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પણ સદૈવ અટલ સ્મારક પહોંચીને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન અટલ બિહારી વાજપેયીના પરિજનો પણ હાજર રહ્યા છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, વિચારધારા-સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ તથા રાષ્ટ્ર સમર્પિત જીવનથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરૂઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જયંતી પર તેમને કોટિશ: નમન. અટલજીની કર્તવ્યનિષ્ઠા તથા રાષ્ટ્રસેવા આપણા માટે સદૈવ પ્રેરણાનું કેન્દ્ર રહેશે. આ અવસરે BJP તરફથી એક ખાસ વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે.

અટલ જયંતીના અવસરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 6 રાજ્યોના 9 કરોડ ખેડૂતો સાથે સંવાદ કરશે. PM મોદી આજે કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. જેની કુલ રકમ 18 હજાર કરોડ રૂપિયા છે. આ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાં કેન્દ્રીય પ્રધાન ખેડૂતો વચ્ચે રહેશે. જેમાં અમિત શાહ મહેરોલી, રાજનાથ સિંહ દ્વારકા, નિર્મલા સીતારમણ રંજીત નગરમાં હજાર રહેશે. જ્યારે અન્ય પ્રધાનો અલગ અલગ વિસ્તારોમાં રહેશે.

અટલ જયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સદૈવ અટલ પર પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત પીએમ મોદી આજે સંસદ ભવનમાં પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપશે તથા તેમના વિશે લખાયેલા એક પુસ્તકનું વિમોચન કરશે.

Leave a Reply

Your email address will not be published.