////

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

દેશ સહિત રાજ્યભરમાં કોરોનાના સંક્રમણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની રસી ઉપલબ્ધ થાય તે માટે પોતાની તમામ તાકાત લગાવી રહ્યાં છે. હવે આજે વડાપ્રધાન મોદી દેશમાં ત્રણ વૅક્સીન મેન્યુફેક્ચરિંગ સુવિધાની સમીક્ષા કરશે. જ્યાં તેઓ વૅક્સિનના વિકાસ અને પડકારો જાણવાનો પ્રયત્ન કરશે.

PMO તરફથી ટ્વીટ કરીને જણાવાયું છે કે, વૅક્સિન ડેવલોપમેન્ટ અને પ્રોસેસનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી ત્રણ શહેરોની મુલાકાત લેશે. તેઓ સૌ પ્રથમ અમદાવાદની ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની મુલાકાત લશે. વૅક્સિન ડેવલોપનું કાર્ય શરૂ કર્યા બાદ વડાપ્રધાન પ્રથમ વખત આ સંસ્થાઓની મુલાકાત લેશે.

ભારત કોરોના વિરુદ્ધ લડાઈના નિર્ણાયક તબક્કામાં છે. PM મોદી આ સંસ્થાઓમાં જઈને ત્યાંના વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરશે કે તેમને શું મુશ્કેલીઓ પડી રહી છે. આ સિવાય વૅક્સિનને દેશના નાગરિકો સુધી પહોંચાડવા વિશે પણ ચર્ચા કરશે.

પૂણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની વૅક્સિનને વિક્સિત કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી અહીં પહોંચીને તેના ઉત્પાદન અને વિતરણની તૈયારીઓની સમીક્ષા કરશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ વેક્સિન રેસમાં સૌથી આગળ કહેવાઈ રહી છે. ભારત બાયોટેકની કોવેક્સિનપણ અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે ફેબ્રુઆરી 2021 સુધી આ વૅક્સિન ઉપલબ્ધ થઈ શકે છે. જ્યારે અમદાવાદની કંપની દ્વારા ડેવલોપ કરવામાં આવી રહેલી વૅક્સિનનું હાલ બીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વૅક્સિન મે મહિના સુધી આવી શકે છે.

આ ઉપરાંત પૂણેમાં વૅક્સિનને વિતરણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહીં 20 લાખ વૅક્સિનના ડોઝ સુરક્ષિત રાખવાની ક્ષમતા વિક્સિત કરવામાં આવી રહી છે. આશા છે કે, ડિસેમ્બરના અંત સુધીમાં વૅક્સિનનું એપ્રુવલ મળી જશે અને જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં લોકોને આ વૅક્સીન ઉપલબ્ધ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.