///

PM મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા કર્યા ટ્રાન્સફર

આજે શુક્રવારે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. ત્યારે આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવતા ભાજપ દેશમાં 19 હજારથી વધુ સ્થાનો પર કાર્યક્રમ યોજશે. કેન્દ્રો પર એક કરોડથી વધુ ખેડૂતોને એકઠા કરવાની સાથે પાંચ કરોડ ખેડૂતો સુધી વડાપ્રધાન મોદીનો સંદેશો પહોંચાડવાની તૈયારી છે. ત્યારે આ દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં ‘પીએમ કિસાન સન્માન નિધિ’ હેઠળ 7મો હપ્તો ટ્રાન્સફર થઈ ગયા છે. આ માટે 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના 78 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. પીએમ મોદીનું આ સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી થવા જઈ રહ્યું છે. મધ્ય પ્રદેશ ઉપરાંત અન્ય 5 રાજ્યોના ખેડૂતો પણ તેમા સામેલ થયા છે.

પીએમ મોદીના સંબોધન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે, દેશ માટે આજે મહત્વનો દિવસ છે. આજે અટલ બિહારી વાજપેયી, મદન મોહન માલવીયાની જયંતી છે. જેમણે દેશના નિર્માણ માટે મહત્વનું યોગદાન આપ્યું. અમિત શાહે કહ્યું કે, દસ વર્ષ સુધી યુપીએની સરકારે ફક્ત 60 હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું ઋણ માફ કર્યું. પરંતુ મોદી સરકારે ફક્ત અઢી વર્ષમાં દસ કરોડ ખેડૂતોના ખાતામાં 95 હજાર કરોડ રૂપિયા નાખ્યા.

અમિત શાહે કહ્યું કે, ખેડૂતોના હિતમાં વાત કરનારા રાહુલ ગાંધી, શરદ પવારની સરકાર 2013-2014માં ખેડૂતો માટે ફક્ત 21900 કરોડ રૂપિયાનું બજેટ હતું. પરંતુ મોદી સરકારે તેને 1.34 લાખ કરોડનું બજેટ કર્યું. આ અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે. ઉલ્ટા ચોર કોટવાલને ડાંટે વાળો હિસાબ થઈ રહ્યો છે. અમિત શાહે કહ્યું કે MSP બંધ નહીં થાય. વિપક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છે.

તો રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું કે, જો ફક્ત ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો 822 બ્લોક, 435 મંડળો, 10 હજારથી વધુ વસ્તીવાળી 585 ગ્રામ પંચાયતો અને 1225 સહકારી સંસ્થાઓ પર આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી 25 ડિસેમ્બરના રોજ બપોરે 12 કલાકે તમામ ખેડૂત ભાઈઓ અને સામાન્ય નાગરિકોને સંબોધન કરશે. આ અગાઉ સવારે 11 કલાકે પ્રમુખ નેતાઓ અને ખેડૂત નેતાઓનું સંબોધન હશે. આ કાર્યક્રમમાં તમામ કેન્દ્રીય પ્રધાનો, સાંસદો, ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન અને પ્રધાન, ધારાસભ્યો, મેયર વગેરે ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published.