////

પીએમ મોદી કનોડિયા બંધુઓના પરિવારજનોને સાંત્વના આપવા જશે

ગુજરાત રાજ્યમાં પીએમ મોદી બે દિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે. ત્યારે તેમના કાર્યક્રમમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કરવા તેઓ તેમના નિવાસસ્થાને જશે. તો આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે, તેઓ કેશુબાપા બાદ કનોડિયા બંધુઓના પરિવારજનોને પણ સાંત્વના આપવા જશે. વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતમાં આજે કેશુભાઈ પટેલના નિવાસસ્થાન બાદ સાંત્વના અને દુઃખ વ્યક્ત કરવા મહેશ અને નરેશ કનોડિયાના નિવાસ્થાને પણ આવશે.

ગુજરાતી ફિલ્મ જગતમાં જાણીતી બેલડી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના 48 કલાકમાં જ બે ભાઈઓના દુઃખદ અવસાન થયા હતા. નરેશ કનોડીયાના પુત્ર હિતુ કનોડિયા અને કનોડિયા પરિવાર પર આવી પડેલી આફતમાં સાહનુભૂતિ આપવા વડાપ્રધાન મોદી સેક્ટર 8માં કનોડિયા પરિવારના નિવાસસ્થાને પહોંચશે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને કનોડિયા પરિવારના નિવાસસ્થાનનો ચાર્જ એસપીજી દ્વારા લઈ લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કનોડિયા પરિવારની ઘર બહાર મહેશ-નરેશની યાદગાર જોડીના ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી હિતુ કનોડિયા સાથે વાતચીત કરશે. આ માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કનોડિયા પરિવારના નિવાસસ્થાનની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.