///

ખેડૂતો સાથે PM મોદી મનની વાત કરશે, ગુજરાત BJPએ કર્યું ખાસ આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. જેમાં દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે PM મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે.

ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે BJPએ દેશભરમાં આયોજન કર્યું છે. જેમાં દરેક ગામડાઓમાં 100-100 લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં જે તે રાજ્યોના BJP શાસિત મુખ્યપ્રધાનો, પ્રધાનો, પ્રદેશ પ્રમુખો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. ખેડૂતો સુધી મોદી સરકારની વાત પહોંચાડવા તમામ આગેવાનોને 2-2 દિવસ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાતના સાંસદો, ધારાસભ્યો, હોદેદારોની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં તમામ આગેવાનોને ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવા સૂચના આપી છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ આગેવાનોને સૂચના આપી તો સાથે જ કહ્યું કે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ પણ ગ્રામ્ય વિસ્તારોમાં હાજર રહેશે. સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ હોદેદારો પણ 25 ડિસેમ્બરના કાર્યક્રમમાં ભાગ લેશે. જે તે ગામડાઓમાં પીએમ મોદીનું સંબોધન લાઈવ બતાવવા આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ખેડૂતોના હિતમાં સરકાર કામ કરી રહી હોવાના સ્પષ્ટ સંદેશ સાથે ભાજપ ખેડૂતો અને લોકો સુધી પહોંચશે. 25 ડિસેમ્બરે દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયા પણ જમા થશે. દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની યાદમાં ભાજપ દર વર્ષે સુશાસન દિવસની ઉજવણી કરે છે.

આ વર્ષે આ ઉજવણીને વિશિષ્ટ બનાવીને ખેડૂતો સુધી પહોંચવામાં આવશે. PM મોદીની સરકાર સતત ખેડૂત હિતમાં નિર્ણય કરી રહી છે અને અત્યાર સુધી લીધેલા નિર્ણયો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. જો શક્ય હશે તો PM મોદી આંદોલનનો અંત લાવવા કોઈ જાહેરાત કરે તેવી પણ શકયતા જોવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.