///

PM મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, ‘Yass’ વાવાઝોડાની તૈયારીઓ અંગે કરી સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાન યાસનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી છે. પીએમ મોદીએ તેને લઈને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના (NDMA) અધિકારીઓ, ટેલીકોમ, પાવર, સિવિલ એવિએશન, અર્થ સાયન્સ મંત્રાલયોના સચિવો સાથે બેઠક કરી અને તૈયારીઓ પર ચર્ચા કરી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા.

હકીકતમાં ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યુ કે, ચક્રવાત યાસના ઉત્તર, ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે, જે 24 મે સુધી એક તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે અને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, 26 મેની સવાર સુધી પશ્ચિમ બંગાળની પાસે ઉત્તરી ખાડી અને જેની આસપાસના ઉત્તરી ઓડિશા અને બાંગ્લાદેશના સમુદ્ર કિનારે પહોંચી જશે.

બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રવાતી તોફાન યાસના સંભવિત ખતરાનો સામનો કરવા માટે ભારતીય નૌસેનાએ પોતાના ચાર યુદ્ધ જહાજ સિવાય ઘણા વિમાનોને તૈનાત કર્યાં છે. આ સપ્તાહની શરૂઆતમાં દેશના પશ્ચિમી કિનારે આવેલા ભીષણ ચક્રવાત તૌકતે બાદ ભારતીય નૌસેનાએ મોટા પાયા પર રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું હતું. ચક્રવાતને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલ, કર્ણાટક અને ગોવામાં ભારે તબાહી મચી હતી. નૌસેનાએ કહ્યું કે, તોફાનના સંભવિત ખતરાનો સામનો કરવા માટે રાહત અને બચાવની આઠ ટીમ સિવાય ડાઇવર્સની ચાર ટીમને ઓડિશા અને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી છે.

ભારતીય તટરક્ષક દેશના પૂર્વી કિનારા પર વિકસિત થઈ રહેલા ચક્રવાતી તોફાન યાસને કારણે ઉત્તપન્ન થનાર સંભવિત પડકારોનો સામનો કરવાની તૈયારીમાં લાગ્યા છે. ઈસ્ટર્ન સીબોર્ડમાં તટરક્ષક સ્ટેશન, જહાજ અને વિમાન હાઈ એલર્ટ પર છે.

Leave a Reply

Your email address will not be published.