દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ હાલાત સંભાળવાની કમાન હવે વડાપ્રધાન મોદીએ પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેઓએ આજે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતાં.
PM Shri @narendramodi's closing remarks at virtual meeting with CMs on COVID-19. https://t.co/IpzAXwXisz
— BJP (@BJP4India) November 24, 2020
આ વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી. તેઓએ રાજ્યોના મુખ્યપ્રધાનોને અપીલ કરી કે તેઓ લોકોને કોરોનાના જોખમ પ્રત્યે જાગૃત કરે. તેઓએ કહ્યું કે ભારત કોરોના સંક્રમણ મામલે પહેલા કરતા અત્યારે વધુ સારી સ્થિતિમાં છે. સરકાર પીએમ કેર્સ ફંડ દ્વારા લોકોની સારવાર કરે છે. અલગ અલગ હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ લગાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ લોકોને ચેતવતા કહ્યું કે તેઓ સતર્ક રહે અને માસ્કની સાથે સામાજિક અંતરનું પાલન કરે. બેદરકારી વર્તવા પર ક્યાંક એવું ન બને કે આપણી નાવડી ત્યાં ડૂબે જ્યાં પાણી ખુબ ઓછું હોય. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાના પહેલા તબક્કામાં લોકોમાં ખુબ ડર હતો. લોકો દહેશતમાં હતાં. બીજા તબક્કામાં ભયની સાથે દયાની સ્થિતિ પણ બની ગઈ છે. લોકો પોતાની બીમારી છૂપાવવા લાગ્યા. ત્રીજા તબક્કામાં લોકો સંક્રમણની બીમારી સ્વીકારવા લાગ્યા. આ ઉપરાંત લોકો હવે બેદરકાર પણ થવા લાગ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી પાસે એક જ રસ્તો બચ્યો છે અને તે છે લોકોને જાગૃત કરવા. આ બીમારી આગળ ન વધે, આપણે તેના માટે તૈયારી કરવી પડશે. દેશ ધીરે ધીરે આફતના ઊંડા સમુદ્રમાંથી બહાર નીકળવા લાગ્યો છે. અનેક દેશ અને આપણા પણ અનેક રાજ્યોમાં કોરોના ઓછો થઈ રહ્યો છે. પરંતુ આપણે સતત સતર્ક રહેવું પડશે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કોરોના સંક્રમણને રોકવા માટે સતત મોનિટરિંગ જરૂરી છે. માત્ર મોટા શહેરો નહીં, આપણે ગામડા-કસ્બાઓની આસપાસ પણ આપણા નિગરાણી તંત્ર અને માળખાગત સુવિધાઓને ઠીક કરવાની રહેશે. આપણે કોરોનાથી મૃત્યુદરને એક ટકાથી નીચે લાવવાનો રહેશે.
ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 37,975 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 91,77,841 પર પહોંચી ગયો છે. જેમાંથી 4,38,667 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 86,04,955 લોકો સ્વસ્થ થઇ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 480 લોકોના મોત નિપજ્યાં છે. જેના પગલે દેશમાં કુલ મૃત્યુ આંક 1,34,218 પર પહોંચ્યો છે.