////

રાજકોટ : પોલીસે નકલી IPS અને ‘રો’ અધિકારીને ઝડપી પાડ્યો

પોલીસને બાતમી મળી હતી કે, જસદણના વિંછિયા રોડ પર હોમગાર્ડની કચેરી પાસે એક વ્યક્તિ સાદા કપડામાં છે. લોકોને સરકારી અધિકારીની ઓળખ આપી રહ્યો છે અને લોકોને સરકારી કામ કરાવી આપવાની લાલચ આપી રહ્યો છે. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઉલટ તપાસ કરતા તેનો સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

જસદણ પોલીસે આ શંકાસ્પદ શખ્સની તપાસ કરતાં તેની પોલ ખૂલી ગઈ અને તે ઓડિશાનો IPS ઓફિસર અને RAW એજન્ટ હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. તેનું નામ સંજય ઉર્ફે કુમાર પ્રભાસ પટેલ હોવાનું સામે આવ્યું છે. તે મૂળ અમદાવાદના ધંધુકાના ફેદરા ગામનો છે. રાજકોટના વિંછિયાના મોટા હડમતાળામાં રહેતો હતો. તે મોજમસ્તી માટે જલદી પૈસા કમાવવા છેતરપિંડીના રવાડે ચઢ્યો હોવાનું પોલીસ માની રહી છે.

પોલીસે આરોપીની તપાસ કરતા તેની પાસેથી એક ઓડિશાના આઈપીએસ ઓફિસરનું અને બીજુ દેશની ઉચ્ચ તપાસ એજન્સી RAWનું કાર્ડ મળી આવ્યું છે. પોલીસે નકલી આઈપીએસ અને RAW એજન્ટ બની કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, નકલી પોલીસ કોન્સ્ટેબલ અને PSI પકડાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જો કે નકલી આઇપીએસ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published.