રાજનૈતિક પાર્ટીઓનાં નેતા સત્તાની આડમાં છાશવારે દુષ્કર્મ કે છેડતી જેવા કે પછી અન્ય કૌભાંડો કરતા રહે છે. નેતાઓને સત્તાના મોહમાં કે પછી પોતે કંઇ પણ કરે પરંતુ પોતે બચી જશે તેવા વિશ્વાસથી ગંભીર ગુનાઓ કોઇના ડર વગર કરતા રહે છે. અને સરકાર આવા હવસખોર નેતાઓને સતત પંપાળયા કરે છે. કોઇ નક્કર કાર્યવાહી કરતી નથી.
હાલમાં રાજકોટનાં કોટસાંગણી તાલુકામાં દુષ્કર્મનો કેસ નોંધાયો છે. જેમાં એસ.પી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, દુષ્કર્મ અંગે ગઇકાલે ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ પીડિતાની પુછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યુ છે. તમામ આરોપીને પકડી પાડવામાં આવશે.

રાજકોટ તાલુકાનાં ભાજપનાં પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ જયંતિભાઇના પુત્ર અમિત પડાળીયાએ પોતાના બે મિત્રો શાંતિ પડાળીયા અને વિપુલ ભાયલા સાથે મળીને ગામની દલિત યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી શાંતિ પડાળીયા કોંગ્રેસના તાલુકા પંચાયતનાં સભ્ય છે. જયારે અમિતા પડાળીયા ભાજપનાં પૂર્વ મહામંત્રી છે. અને તેના પિતા ગામનાં સરપંચ છે.
રામોદ ગામમાં રહેતી યુવતી ઘરમાં એકલી હતી. ત્યારે આ નરાધમોએ તેનાંજ ઘરમાં ઘુસીને બંદુકની અણીએ અપહરણ કર્યુ હતું. અપહરણ બાદ યુવતીનું ચાલુ ગાડીમાં દુષ્કર્મ આચર્યુ હતું. એટલુ જ નહીં પરંતુ બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇને ત્યાં પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં યુવતીને બંદુક બતાવીને આ નરાધમોએ ધમકી આપી હતી કે જો આ વિશે કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું. અને યુવતીને દુષ્કર્મ બાદ નરાધમો તેના ઘરે મુકી ગયા હતાં. જયાં યુવતીને તબિયત કઠળી ગઇ હતી. અનેક પીડાઓ સહન કર્યા બાદમાં પોતાના પર થયેલા અત્યાચાર વિરુદ્વ પીડિતાએ કોટસાંગણી પોલીસ મથકમાં નરાધમો વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.

જોકે હજી પોલીસે આરોપીની ધરપકડ કરી નથી પરંતુ યુવતી સાથે પુછપરછ કરી છે. આવું હિંન કૃત્ય આચર્યા બાદ પણ કેમ હજી સુધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી? કોના કહેવા પર પોલીસ આરોપીઓને છાવરી રહી છે?