///

હૈદરાબાદ GHMC ચૂંટણીનું 150 વોર્ડ માટે મતદાન શરુ, 1122 ઉમેદવાર મેદાનમાં

તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (GHMC) ચૂંટણી માટે આજે મંગળવારના રોજ સવારે 7 કલાકથી મતદાન શરુ થયુ છે. જેમાં 1122 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ GHMC (Greater Hyderabad Municipal Corporation) ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. મતદાન સવારે 7 કલાકથી રાત્રે 6 કલાક સુધી યોજાશે.

હૈદરાબાદમાં આ વખતે રાજકીય પાર્ટીઓએ જોર શોરથી પ્રચાર પ્રસાર કર્યો છે. સત્તારુઢ પાર્ટી TRS, BJP, AIMIM, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. જેના પગલે આ વખતે GHMC ચૂંટણીમાં સારી એવી ટક્કર જોવા મળશે. ભાજપે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ચૂંટણી પ્રચારમાં ભાજપે ટોચના નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતાં. સ્મૃતિ ઇરાની, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે રેલી યોજી અને સભા સંબોધી હતી. આ વચ્ચે ભાજપે જીતનો દાવો કર્યો હતો કે, હૈદરાબાદના મેયર ભાજપના જ બનશે.

GHMC (Greater Hyderabad Municipal Corporation) ચૂંટણીમાં આ વખતે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 150 વોર્ડ માટે 74,44,260 મતદાતાઓ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. આ તકે તેલંગણા રાજ્ય ચૂંટણી પંચે મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. GHMC ચૂંટણીની મતગણતરી 4 ડિસેમ્બરના રોજ યોજાશે.

Leave a Reply

Your email address will not be published.