/

શ્રમિકોના મોત મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાના ભાજપ પર ચાબખા

ઔદ્યોગિક ક્ષેત્રે સલામતી વ્યવસ્થામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને પગલે ગુજરાત શ્રમિકોના મોતના મામલે રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.

ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને કારણે ગુજરાતમાં વર્ષ 2014-16માં 687 જેટલા શ્રમિકોના મોત નિપજ્યા છે જ્યારે 4,019 જેટલા શ્રમિકો દુર્ઘટનામાં ઘાયલ થયા હતાં.

અમદાવાદમાં પીરાણા, પીપળજ રોડ પર આવેલા સાહિલ એન્‍ટરપ્રાઈઝમાં આગ લાગતાં 12 નિર્દોષ વ્‍યકિત્તઓના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. નિર્દોષ કામદારોનું જીવન ન હોમાય તે માટે ગેરકાયદેસર ચાલતા આવા કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર ભીનુ સંકેલી રહી છે.

ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મૂકાતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે તેવો ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં અનેક કેમિકલ કં૫નીઓમાં ફાયર અને અન્‍ય સેફટીની પૂરતી સુવિધાઓ નથી.

ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્‍યા બાદ જ હરકતમાં આવે છે અને બે-ચાર દિવસ દેખાવ કરવા પુરતા પગલાંઓ લેતા હોય છે. ફરીથી તંત્ર હપ્‍તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ જાય છે. પરિણામે આવી ગંભીર ઘટનાઓ બને અને નિર્દોષ શ્રમિકો જાન ગુમાવે ત્‍યારે સરકાર મૃતકના પરિવારજનોને બે-ચાર લાખની સહાય આપીને સંતોષ માને છે.

છેલ્લા ચાર અઠવાડિયામાં આઠથી વધુ ઔદ્યોગિક અકસ્માતોમાં 24થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસના બણગા ફૂકતી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણતી ભાજપ સરકારના શાસનમાં સુરત જીલ્લામાં 203 શ્રમિકો, અમદાવાદમાં 161 શ્રમિકો, ભરૂચમાં 152 શ્રમિકો, વલસાડમાં 116 શ્રમિકો અને અન્ય જિલ્લાઓમાં 507 શ્રમિકો સાથે સમગ્ર રાજ્યમાં કુલ 1,239 જેટલા શ્રમિકોએ છેલ્લા પાંચ વર્ષમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યાં માત્ર કહેવા પૂરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ અને ભ્રષ્ટાચારની નીતિ રીતિને કારણે શ્રમિકોને જીવ ગુમાવવાની દુર્ઘટનાઓ બની રહી છે.

શ્રમિકોના શ્રમને કારણે ગુજરાતની પેટ્રો કેમિકલ, સિરામિક, હીરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના અંગે શખ્ત પગલા ભરવાની માગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતમાં શ્રમિકોના મોતના આંકડાઓમાં ગુજરાત નંબર વન બનવા પાછળ ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયાના વ્યવહારોના કારણે ભાજપ સરકારના આશીર્વાદથી આવી ગેરકાયદેસર ફેકટરીઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.