///

પ્રયાગરાજ: IFFCO પ્લાન્ટમાં એમોનિયા ગેસ લીકેજ થતા 2 અધિકારીઓના મોત

પ્રયાગરાજમાં આવેલા ફુલપુર સ્થિત IFFCO પ્લાન્ટમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી હતી. ત્યારે આ દુર્ઘટનામાં એમોનિયા ગેસ લીકેજના કારણે બે અધિકારીઓનો ભોગ લેવાયો છે. જ્યારે આ ગેસ લીકેજના કારણે IFFCOમાં તૈનાત 18 કર્મચારીઓની તબિયત બગડી ગઈ છે. ત્યારે આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુરિયા ઉત્પાદન કરતી આ કંપનીના પ્લાન્ટમાં પમ્પ લીકેજના કારણે ગેસ લીક થયો હોવાની આશંકા છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે લગભગ 11 વાગે ફુલપુર IFFCOના પી-1 યુનિટમાં એમોનિયા ગેસ લીકેજ શરૂ થયો. ત્યાં હાજર અધિકારી લીકેજ અટકાવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ત્યારબાદ તેમને બચાવવા માટે અન્ય એક અધિકારી પહોંચ્યા. તેઓ પણ ઝપેટમાં આવી ગયા. આ બંને ઓફિસરોને ત્યાં હાજર અધિકારીઓએ બહાર કાઢ્યા.

જો કે આ દરમિયાન એમોનિયા ગેસ લીકેજ સમગ્ર યુનિટમાં ફેલાઈ ચૂક્યો હતો અને ત્યાં હાજર 18 કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ચૂક્યા હતા. આ ગેસને કારણે તેઓ પણ બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલા એક્સપર્ટે સ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ અંગે પ્રયાગરાજના ડીએમ ભાનુ ચંદ્ર ગોસ્વામીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, IFFCOમાં ગેસ લીકેજના કારણે બે અધિકારીઓના મોત થયા છે. પ્લાન્ટને હાલ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ગેસ લીકેજ અત્યારે બંધ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.