////

અહેમદ પટેલના માદરે વતન પિરામણમાં દફનવિધિની તૈયારીઓ શરૂ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. જ્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે અહેમદ પટેલની અંતિમ ઈચ્છા એ હતી કે, તેમના અંતિમ સંસ્કાર ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા તેમના વતન ખાતે કરવામાં આવે.

અહેમદ પટેલના અવસાનના સમાચાર સાંભળીને અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે અહેમદ પટેલની ઈચ્છા અનુસાર, પિરામણ ખાતે તેમના દફનવિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં પિરામણ ગામમાં અહેમદ પટેલના માતા-પિતાની કબર નજીક જ અહેમદ પટેલની દફનવિધિ કરવામાં આવી શકે છે.

પિરામણ ગામમાં 21 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા અહેમદ પટેલની રાજકીય સફર રોમાંચક રહી છે. તેઓ પિરામણથી દિલ્હી સુધી પહોંચ્યા હતા. દિલ્હીમાં કામમાં વ્યસ્ત છતાં પિરામણ સાથે તેમનો અતૂટ સબંધ રહ્યો હતો. તેઓ અવારનવાર માદરે વતન પિરામણ આવતા હતા અને ગામની સમસ્યાનો ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા હતા.

ત્યારે અહેમદ પટેલનો ફરી એકવાર કોરોના રિપોર્ટ કરવામાં આવશે. જો તે નેગેટિવ આવશે, તો બપોર બાદ દિલ્હીથી ચાર્ટડ પ્લેનમાં તેમનો પાર્થિવ દેહ ગુજરાતના વડોદરા ખાતે લઈ અવાશે. જ્યાંથી અંકલેશ્વરના પિરામણ ખાતે લઈ જઈ તેમની દફનવિધિ માટે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.