////

કોરોનાની ત્રીજી લહેર પહેલા અમદાવાદ સિવિલ હરકતમાં, કર્મીઓને તૈયાર કરાઈ રહ્યાં છે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારો ઘણી છૂટછાટ આપી દીધી. જેના કારણે પ્રવાસન સ્થળ તેમજ માર્કેટમાં લોકોની ભીડ એકઠી થઈ રહી છે. જેને પગલે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની ભીતિ સર્જાઈ છે. જ્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જેમાં હોસ્પિટલમાં ઓક્સિજન, બેડ, દવા ઇન્જેક્શનો માટે પૂરતા પ્રમાણમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના આર.એમ. ઓ. ડૉકટર સંજય કાપડિયાએ જણાવ્યું છે કે, કોવિડની ત્રીજી લહેરની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ડોકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ અને વર્ગ ચારના કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે.

વર્ગ ચારના એક હજાર કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે. 15 દિવસ સુધી વર્ગ 4ના કર્મચારીઓની ટ્રેનીંગ ચાલશે. દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ખસેડવા, દર્દીઓનુ ધ્યાન કેવી રીતે રાખવું, કોરોના દર્દીઓની આસપાસ સાફ સફાઈ, બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે અને ક્યાં કરવો તેને લઈ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જે ક્ષતિઓ રહી હતી. તે ફરી ન થાય તે માટે તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્રીજી લહેર આવે તે પહેલાં સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.