બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું 71 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. બીજા ચરણનું મતદાન 3 નવેમ્બરના રોજ થશે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ બુધવારે દરભંગામાં ચૂંટણી રેલી યોજી હતી. રાજ મેદાન ખાતે જાહેરસભાને સંબોધિત કરતાં વડાપ્રધાને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. જે લોકો એક સમયે તેની તારીખ પૂછતા હતા, તેઓ પણ તાળીઓ પાડી રહ્યા છે. મોદીએ કહ્યું કે બીજેપી અને એનડીએની ઓળખ એવી છે કે જે બોલે છે તે કરીને બતાવે છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે મિથિલાના મહાન લેખક વિદ્યાપતિજીએ સીતા મૈયાને પ્રાર્થના કરી હતી. સદીઓની તપસ્યા બાદ હવે અયોધ્યામાં ભવ્ય નિર્માણ શરૂ થઈ ગયું છે. રાજકીય લોકો જે વારંવાર તારીખ પૂછતા હતા, ખૂબ જ મજબૂરીમાં હવે તે પણ તાળીઓ પાડી રહ્યા છે. માતા સીતાના આ ક્ષેત્રમાં આવીને અહીંના લોકોને રામ મંદિરના નિર્માણની શુભેચ્છાઓ પાઠવું છું, કારણ કે તમે તેના મુખ્ય હકદાર છો. આગળ વડાપ્રધાન મોદીએ કહ્યું કે બીજેપી અને એનડીએની એવી ઓળખ રહી છે કે જે કહે છે તે કરીને બતાવે છે. દેશમાં પહેલીવાર એવું થયું છે જ્યારે મેનિફેસ્ટોને ઉઠાવીને આંકલન કરવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં સરકાર કયું પગલું ઉઠાવશે.
દરભંગામાં રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જ્યાં મતદાન થઈ રહ્યું છે, ત્યાંના તમામ સાથીઓને મારો આગ્રહ છે કે કોરોનાથી બચવા માટે તમામ સાવધાની રાખે. મુખ્યપ્રધાન નીતીશ કુમારની આગેવાનીમાં બિહાર 15 વર્ષથી આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આજે ખેડૂતોના ખાતામાં એક લાખ કરોડ રૂપિયાની મદદ જમા કરાવવામાં આવી ચૂકી છે. લગભગ 40 કરોડના ખાતા ખુલી ચૂક્યા છે. અમે કહ્યું હતું કે ગરીબ દીકરીના ઘરમાં મફત ગેસ કનેક્શન પહોંચશે. અમે બિહારની લગભગ 90 લાખ દીકરીઓને રસોડાના ચૂલાના ધૂમાડાથી મુક્ત કરી છે. અમે મફત સારવારનો વાયદો કર્યો હતો, આજે બિહારના પણ દરેક ગરીબને આ સુવિધા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભાની 71 બેઠક પર આજરોજ મતદાન થઇ રહ્યું છે. જેમાં 955 પુરૂષ અને 114 મહિલા એમ મળી કુલ 1066 ઉમેદવારો મેદાને છે. જેનું ભાવિ આજરોજ EVMમાં કેદ થશે. ત્યારબાદ બીજા ફેઝનું મતદાન 3 નવેમ્બરે અને ત્રીજા ફેઝનું મતદાન 7 નવેમ્બરે યોજાશે. જેના પરિણામો 10 નવેમ્બરના રોજ આવશે.