///

વડાપ્રધાન મોદી પહોંચ્યા જેસલમેર બોર્ડર, જવાનો સાથે ઉજવશે દિવાળી

વડાપ્રધાન મોદી દેશની સરહદો પર રક્ષા કરનારા જવાનો સાથે જ દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. ત્યારે વડાપ્રધાન મોદી જવાનો સાથે દિવાળી ઉજવવા માટે રાજસ્થાનના જૈસલમેર બોર્ડર પર પહોંચી ગયા છે. પીએમ મોદીની સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમ એમ નરવણે, અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ છે.

જેસલમેરમાં ભારત-પાકિસ્તાનની સરહદો મળે છે. ત્યારે અહીં બોર્ડર પર બીએસએફની તૈનાતી પણ છે. તો સુપ્રસિદ્ધ તનોટમાતાનું મંદિર પણ અહીં આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેસલમેરની લોંગેવાલા બોર્ડર પર બીએસએફના જવાનો સાથે દિવાળી ઉજવવા માટે પહોંચી ચૂક્યા છે. આ લોંગેવાલા એ મૂળ રીતે બીએસએફની જ એક પોસ્ટ છે.

લોંગેવાલા પોસ્ટ એ વર્ષ 1971ના યુદ્ધમાં સાહસનું પ્રતિક માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત અને મનોજ મુકુંદ નરવણે સહિત સેનાના કેટલાક અધિકારીઓ પણ હાજર રહ્યાં છે. નોંધનીય છે કે, લોંગેવાલા પોસ્ટ પર 1971ના ભારત-ુપાકિસ્તાન યુદ્ધ દરમિયાન કુલદીપ સિંહ ચાંદપુરીના નેતૃત્વમાં 120 ભારતીય જવાનોએ પરાક્રમ દાખવતા પાકિસ્તાનની પુરી ઈન્ફેન્ટ્રી બ્રિગેડ અને ટી-59 ટેન્કોની એક રેજીમેન્ટને ધુળ ચટાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ અગાઉ 2018માં તેમણે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સેના અને ITBPના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

Leave a Reply

Your email address will not be published.