///

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને બે આયુર્વેદ સંસ્થાન સમર્પિત કરી

વડાપ્રધાન મોદીએ આજે આયુર્વેદ દિવસ પર દેશને બે આયુર્વેદ સંસ્થા સમર્પિત કરી છે. આયુર્વેદ દિવસ પર PM મોદીએ રાજસ્થાન અને ગુજરાતમાં બે મોટી આયુર્વેદ સંસ્થાઓનું વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે. જામનગરની આ આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે બે આયુર્વેદ યુનિવર્સિટીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાં પગલે જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર અને શિક્ષણને જરૂરી વેગ મળશે.

આ અવસરે વડાપ્રધાન મોદીએ આયુર્વેદના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘કોરોના મહામારીમાં WHOની કામગીરી મહત્વની છે. આજે WHOએ ભારતને મોટી જવાબદારી સોંપી છે. જેથી ગ્લોબર સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ભારતમાં બનશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, પારંપારિક દવાઓ પર રિસર્ચને સશક્ત કરવા માટે ભારતમાં પારંપારિક ચિકિત્સા પર WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપના કરી રહ્યું છે. આ સંસ્થાની મદદથી જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે. કોરોના કાળમાં આયુર્વેદ ઉત્પાદનોની માગ વધી છે. જેથી દેશમાં 1.5 લાખ વેલનેસ સેન્ટર શરૂ થશે.’ આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રાલયના જણાવ્યા મુજબ, બંન્ને સંસ્થાઓ દેશમાં આયુર્વેદની પ્રતિષ્ઠીત સંસ્થાઓ છે. જામનગરની આયુર્વેદ રિસર્ચ સંસ્થાને સંસદે કાયદો ઘડીને રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો પ્રદાન કર્યો છે. જ્યારે જયપુરની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. આયુષ મંત્રાલય 2016થી ધન્વંતરી જયંતીના અવસરે દર વર્ષે આયુર્વેદ દિવસ મનાવતું આવ્યું છે. આ વર્ષે તે શુક્રવારે ઉજવાઈ રહ્યો છે.

આ પ્રસંગે CM રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘ગુજરાત અને દેશ માટે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતને મળતી આ ભેટ એ ખૂબ ગર્વની વાત છે. આરોગ્ય ક્ષેત્રે જામનગરમાં ITRA અને રાજકોટમાં એઇમ્સ આ બે સક્ષમ સંસ્થાની ભેટ ગુજરાતને મળી છે. આ પ્રસંગે WHOના પ્રતિનિધિએ પણ વીડિયો કોન્ફરન્સથી આયુર્વેદ દિવસ પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.