////

વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં વેક્સિન અંગે કરી ચર્ચા, આપી આ મહત્વની જાણકારી

વડાપ્રધાન મોદીએ આજે શુક્રવારે દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વિવિધ રાજકીય પક્ષો અને ટોચના કેન્દ્રીય પ્રધાનો તથા નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાની વેક્સિન આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. આ સાથે જ તેઓએ કહ્યું કે દુનિયાભરના દેશ વેક્સિનને લઈને ભારત તરફ નજર રાખી છે. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ વેક્સિન અંગે તમામ પક્ષોના નેતાઓને અપડેટ આપી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે રસીના સ્ટોક અને રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન માટે એક ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. કોવિડનું રસીકરણ અભિયાન વ્યાપક સ્તરે થશે. તેઓએ કહ્યું કે આવા અભિયાનો વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવે છે. તેઓએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે તેઓ લોકોને રસી અંગે જાગૃત કરે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક્સપર્ટ માને છે કે આગામી કેટલાક અઠવાડિયામાં કોવિડ રસી તૈયાર થઈ જશે.

બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે લગભગ 8 એવી સંભવિત રસી છે જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે અને જેનું ઉત્પાદન ભારતમાં જ થવાનું છે. ભારતની પોતાની 3 રસીની ટ્રાયલ અલગ અલગ તબક્કામાં છે. વિશેષજ્ઞો એ માની રહ્યાં છે કે રસી માટે બહુ વધુ રાહ જોવી નહીં પડે. જેવું વૈજ્ઞાનિકો આપણને ગ્રીન સિગ્નલ આપશે કે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થઈ જશે.

આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના રસીને લઈને આખી દુનિયાની નજર ભારત પર છે. તેઓએ કહ્યું કે હાલ અન્ય દેશની અનેક વેક્સિનોના નામ આપણે બજારમાં સાંભળી રહ્યા છીએ, પરંતુ દુનિયાની નજર ઓછી કિંમતવાળી, સૌથી સુરક્ષિત રસી પર છે અને તેના માટે સમગ્ર દુનિયાની નજર ભારત ઉપર પણ છે.

બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના વેક્સિનને લઈને જે વિશ્વાસ આ ચર્ચામાં જોવા મળ્યો છે તે કોરોના વિરુદ્ધ આપણી લડતને વધુ મજબૂત કરશે. આ અંગે તાજેતરમાં મારી મુખ્યપ્રધાનો સાથે વાતચીત થઈ હતી. રસીકરણને લઈને રાજ્ય સરકારો પાસેથી અનેક સૂચનો પણ મળ્યા હતા.

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ રાજકીય પક્ષોને કહ્યું કે આપણે કોશિશ કરવી જોઈએ કે રસીકરણ દરમિયાન અફવા ન ફેલાય. તેઓએ કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે રસીકરણ દરમિયાન અફવાઓ ન ફેલાય, એવી અફવાઓ જે દેશવિરોધી અને માનવ વિરોધી છે. આ પ્રકારે, તમામ રાજકીય પક્ષોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે તમામ ભારતીયોને આ પ્રકારની અફવાઓથી બચાવીએ.

Leave a Reply

Your email address will not be published.