///////

સપનુ સાકાર: વડાપ્રધાન મોદીએ ત્રણ પ્રોજેક્ટનું કર્યુ ઇ-લોકાર્પણ, ગીરનારનું 2.3 કિલોમીટરનું અંતર હવે માત્ર 8 મિનિટમાં જ કપાશે

વડાપ્રધાન મોદીએ મહત્વના ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી અને પ્રજા સમક્ષ ખુલ્લા મુક્યા છે. જેમાં એશિયાના સૌથી મોટો પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ વે નું ઇ-લોકાર્પણ વડાપ્રધાન મોદીએ કર્યુ હતું. આ ઉપરાંત અમદાવાદ ખાતે અદ્યતન સુવિધા સાથે તૈયાર કરાયેલી યુ એન મહેતા હોસ્પિટલ અને કિસાન સૂર્યોદય યોજનાનું પણ ઇ-લોકાર્પણ કર્યુ હતું.

ગિરનાર રોપ વે પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ

વડાપ્રધાન મોદીએ ગિરનાર રોપ વે નું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે જૂનાગઢમાં CM વિજય રૂપાણી સહિત અન્ય પ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વનું છે કે રોપ વે દ્વારા 2.3 કિલોમીટરનું અંતર હવે માત્ર 8 મિનિટમાં જ કપાશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં પણ મહત્ત્વનું છે કે ગિરનાર રોપ વે ને લઇને સૌથી વધુ ઉત્સુકતા જૂનાગઢવાસીઓમાં છે.

આ ઐતિહાસિક ક્ષણને લઇ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સરકાર અનેક વિકાસના કામ કરી રહી છે. કિસાન સૂર્યોદય યોજના મારફતે 1055 ગામડાના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. વડાપ્રધાન મોદીની જ્યોતિગ્રામ યોજનાના કારણે ગુજરાત 24 કલાક વીજળીથી ઝળહળતું છે. આ સરકાર ખેડૂતોની સરકાર છે. આ ઉપરાંત રોપવે મુદ્દે જણાવ્યું હતું કે રોપવે મારફતે વધુને વધુ લોકો ગિરનારના દર્શન કરે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડોળીવાળા ભાઈઓને પણ યાદ કરૂ છું. લાખો લોકોને દર્શન કરાવુ પુણ્યનું કામ કર્યું છે. આ સાથે જ જણાવ્યું હતું કે કોરોનાના કાળ વચ્ચે પણ વિકાસના કામો આગળ ધપતા રહે તે માટે કામ કરી રહ્યાં છીએ. આપણા સપના પૂર્ણ થઈ રહ્યાં છે. એટલે અમે આપનો આભાર માનીએ છીએ. ગુજરાત હંમેશા નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે જે માર્ગ બતાવ્યો તે માર્ગ પર જ આગળ વધી રહ્યું છે.

ટેક્નોલોજીથી સજ્જ હોસ્પિટલનું લોકાર્પણ

વડાપ્રધાન મોદીએ આજે શનિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત યુ એન મહેતા હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યુ હતું. ઇ-લોકાર્પણ થનારી યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બાળ હ્યદયરોગ હોસ્પિટલમાં 15 કાર્ડિયાક ઓપરેશન થીયેટર, 5 કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર સાથેની કેથલેબ, 176 બાળકો અને સર્જીકલ / મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, 355 એડલ્ટ માટેના સર્જીકલ મેડીકલ આઇ.સી.સી.યુ, 114 હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ, 505 એડલ્ટ માટેના કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દર્દીઓ માટે જનરલ વોર્ડ, 67 સ્પેશીયલ રૂમ અને 34 આકસ્મિક કાર્ડિયાક કેર ડિપાર્ટમેન્ટથી સજ્જ છે.

કિસાન સૂર્યોદય યોજનાનું વડાપ્રધાને ઈ-લોકાપર્ણ કર્યુ

કિસાન સૂર્યોદય યોજનાનું આજે શનિવારે વડાપ્રધાન મોદીએ ઈ-લોકાર્પણ કર્યુ હતું. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને તેમાં આવરી લેવામાં આવ્યા છે. આ યોજના થકી ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 કલાક સુધી વીજળી આપવામાં આવશે. આવનારા સમયને ધ્યાને રાખીને પણ આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશનો પ્રથમ પ્રોજેક્ટ

હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપ વે બનાવનારો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવે નો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપ વે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.

રોપ ક્યાંથી આવ્યો છે?

ગિરનાર રોપ વેની રોપ જર્મનીથી મંગાવવામા આવ છે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. 2.3 કિલોમીટરના આ રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યા છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપ વે પર 24 ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.

Leave a Reply

Your email address will not be published.