///

વડાપ્રધાન મોદી આવતીકાલે વારાણસી પ્રવાસે, દેવ દિવાળી કાર્યક્રમમાં લેશે ભાગ

વડાપ્રધાન મોદી આવતીકાલે સોમવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીનો પ્રવાસ કરશે અને વારાણસી તેમજ પ્રયાગરાજ વચ્ચેના છ લેન વાળા નેશનલ હાઇવેનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન ત્યાં દેવ દિવાળીના કાર્યક્રમમાં પણ સામેલ થશે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિર કોરીડોર પરિયોજના સ્થળનો પ્રવાસ કરશે અને સારનાથ પુરાતત્વ સ્થળ જશે.

વધુમાં જણાવવામાં આવ્યું કે, એનએચ-19ના 73 કિલોમીટર લાંબા ભાગને પહોળો કરવામાં આવ્યો છે અને તેમાં 2447 કરોડ રુપિયાનો ખર્ચ કરીને છ લેનનો બનાવવામાં આવ્યો છે. જેનાથી પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેના યાત્રા સમયમાં એક કલાકનો ઘટાડો થશે.

આ ઉપરાંત જણાવ્યું છે કે, વારાણસીમાં દેવ દિવાળી વિશ્વ પ્રસિદ્ધ રોશનીનો પર્વ બન્યો છે અને જેની કાર્તિક મહીનાની પૂર્ણિમાએ ઉજવણી કરવામાં આવે છે. જ્યાં વડાપ્રધાન વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટ કરીને તહેવારની શરૂઆત કરશે. જે બાદ ગંગા નદીના બંને કિનારે 11 લાખ દીવડાઓ પ્રજ્વલિત થશે. આ ઉપરાંત સારનાથ પુરાતત્વ સ્થળ પર ‘લાઇટ એન્ડ સાઉન્ડ’ શો ની પણ મુલાકાત લેશે, જેનું ઉદ્ધાટન તેઓએ આ મહીનાની શરૂઆતમાં કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.