/

વડાપ્રધાન મોદીએ હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીનું કર્યુ ઉદ્દઘાટન

વડાપ્રધાન મોદીના હસ્તે હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે. રો-પેક્સ ફેરીને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું અંતર ઘટી જશે અને સમયનો પણ બચાવ થશે.

PM મોદીએ સંબોધન કરતા કહ્યું…

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીનું ઉદ્દઘાટન કર્યુ હતું. ઉદ્દઘાટન બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ હતું. જેમાં કહ્યુ કે, ” ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બન્ને વિસ્તારના લોકોનું વર્ષોનું સ્વપ્ન પૂર્ણ થયુ છે. હજીરામાં આજે નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવતા ભાવનગર અને સુરત વચ્ચે આ નવા સમુદ્રી સંપર્ક માટે તમામને શુભેચ્છા પાઠવી હતી. આ સેવાથી ઘોઘા-હજીરા વચ્ચે રસ્તાનું અંતર પોણા 400 કિલોમીટરનું છે તે દરિયાઇ રસ્તે માત્ર 90 કિલોમીટર થઇ જશે. એટલે જે અંતરને કાપવામાં 10થી 12 કલાકનો સમય લાગતો હતો તે હવે માત્ર 3-4 કલાક લાગશે. રસ્તા પર ટ્રાફિક ઓછુ થશે તે પ્રદૂષણ ઓછુ કરવામાં મદદ કરશે.”

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, ” વર્ષમાં આ આંકડો ઘણો મોટો છે. વર્ષમાં 80 હજાર મુસાફર ગાડીઓમાં, 20 હજાર ટ્રક આ નવી સેવાનો લાભ લેશે. સૌથી મોટી વાત તો એ છે કે ગુજરાતના એક મોટા વ્યાપારી સાથે સૌરાષ્ટ્રમાં કનેક્ટિવિટી આ વિસ્તારના જીવનને બદલવાની છે. સૌરાષ્ટ્રના ખેડૂતો અને પશુપાલકોને શાકભાજી, દૂધ સુરત પહોચાડવામાં વધુ આસાની થશે. રસ્તા માર્ગે પહેલા ફળ, દૂધ, શાકભાજી જેવી વસ્તુઓને લાંબુ અંતર હોવાને કારણે નુકસાન થતુ હતું. આ બધુ બંધ થઇ જશે. દરિયાઇ માર્ગે પશુપાલકો અને ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થશે. વધુ સુરક્ષિત રીતે તે બજારમાં પહોચી જશે. સુરતમાં વ્યાપાર, બિઝનેસ કરનારા સાથીઓને પણ આવન-જાવન અને ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થઇ જશે.”

ગુજરાતમાં રો-પેક્સ ફેરી સેવા આવી સુવિધાઓનો વિકાસ કરવામાં ઘણા લોકોની મહેનત છે. આ પ્રોજેક્ટ સાથે હું પહેલાથી જોડાયેલો છું. તમારા કારણે તે બધી સમસ્યાઓની ઘણી જાણકારી છે. કેવી કેવી મુશ્કેલીમાંથી રસ્તો કાઢવો પડતો હતો. અમારા લોકો માટે નવો અનુભવ હતો. જેની માટે મહેનત કરી. હું બધા શ્રમિકોનો વિશેષ રીતે આભાર માનું છું. આ સપનાને સાકાર કરીને બતાવ્યુ છે આજે તે પરિશ્રણ, હિમ્મત લાખો ગુજરાતીઓ માટે નવી સુવિધા લઇને આવી છે નવા અવસર લઇને આવી છે.

રો-પેક્સ ફેરીથી શું થશે ફાયદો

રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવર જવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે.

રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે 9000 લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ 3 ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન 24 એમટીકાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે.

રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર ઓછી ખર્ચાળ અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે.

Leave a Reply

Your email address will not be published.