///

વડાપ્રધાન મોદીએ આગ્રા મેટ્રો પ્રોજેક્ટનું કર્યુ વર્ચ્યુઅલ ઉદ્ધાટન

વડાપ્રધાન મોદી એ આજે સોમવારે આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટના નિર્માણ કામનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું. બે કોરિડોરવાળા આ પ્રોજેક્ટથી પર્યટકોને મદદ મળશે. આ પ્રોજેક્ટ દ્વારા ટુરિસ્ટ સ્પોર્ટ જેમ કે તાજમહેલ, આગ્રા ફોર્ટ, સિકંદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને જોડવામાં આવશે. આગ્રાના 15 બટાલિયન પીએસી પરેડ મેદાનમાં ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તે દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આગ્રા પાસે જૂની પુરાતન ઓળખ તો હંમેશાથી રહી છે. હવે તેમા આધુનિકતાનો નવો આયામ જોડાવવા જઈ રહ્યો છે. સેંકડો વર્ષોનો ઈતિહાસ ધરાવતો આ શહેર હવે 21મી સદી સાથે તાલમેલ કરવા તૈયાર થઈ રહ્યું છે. આગ્રામાં સ્માર્ટ સુવિધાઓ વિક્સિત કરવા માટે પહેલેથી લગભગ 1000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે.

આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટ્સના નિર્માણના શુભ અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આધુનિક સુવિધાઓ અને આધુનિક કનેક્ટિવિટી મળવાથી પશ્ચિમ યુપીનું સામર્થ્ય વધી રહ્યું છે. દેશની પહેલી રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેરઠથી દિલ્હી વચ્ચે બની રહી છે. દિલ્હી-મેરઠ વચ્ચે 14 લેનનો એક્સપ્રેસ વે પણ જલદી આ ક્ષેત્રના લોકોને સેવાઓ આપવા લાગશે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે દેશના ઈન્ફ્રા સેક્ટરની એક મોટી સમસ્યા એ રહી હતી કે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત તો થતી હતી, પરંતુ તેના માટે પૈસા ક્યાંથી આવશે તેના પર બહુ ધ્યાન અપાતું નહતું. અમારી સરકારે નવા પ્રોજેક્ટ્સને શરૂ કરવાની સાથે જ તેના માટે જરૂરી ધનરાશિ ઉપર પણ ધ્યાન આપ્યું છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ હેઠળ 100 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવાની તૈયારી છે. એવી કોશિશ છે કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું બનાવવા માટે સમગ્ર દુનિયામાંથી રોકાણને આકર્ષિત કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.