///

વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર માસમાં ફરી એકવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. તેઓ 14 અને 15મી ડિસેમ્બરના રોજ કચ્છ આવશે. પીએમ મોદી કચ્છમાં માંડવી ખાતે આવેલા ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. તેની સાથે જ ખાવડામાં નવા સોલર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આમ કચ્છમાં બે દિવસ સુધી વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરવાનું હોવાથી મોદી ધોરડો ખાતે રાત્રિ રોકાણ કરે તેવી સંભાવના છે.

વડાપ્રધાન મોદી છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ કાર્યક્રમોને લઈને ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલા પણ તેમણે 28મી નવેમ્બરના રોજ ગુજરાતમાં અગ્રણી કંપનીના કોરોના વેક્સિન બનાવવાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને તેના મોરચે થયેલી વેક્સિનનું નિરીક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ પરીક્ષણની કામગીરી જોવા માટે મોદીએ ચાંગોદર સ્થિત કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કંપનીના ચેરમેને પણ મોદીને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની માહિતી આપી હતી. મોદીએ આ દરમિયાન રસીની કામગીરીની તમામ પ્રક્રિયાનું જાત નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન મોદી 30મી નવેમ્બરના રોજ દેવદિવાળીએ કચ્છના વિશ્વના સૌથી મોટા સૌર ઊર્જા પાર્કનો શિલાન્યાસ કરવા અને માંડવી ખાતે નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરવા આવવાના હતા, પરંતુ આ કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, આ પહેલા પણ વડાપ્રધાન મોદી 29મી ઓક્ટોબરના રોજ કેશુભાઈ પટેલના અવસાનના લીધે ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરીને 30મી ઓક્ટોબરે કેવડિયા જવાના બદલે સીધા અમદાવાદ આવ્યા હતા અને કેશુભાઈ પટેલના નિવાસ્થાને પહોંચીને તેમના કુટુંબને સાંત્વના પાઠવી હતી. તેના પછી તેઓ નરેશ-મહેશના નિવાસ્થાને પહોંચ્યા હતા. તેમણે ત્યાં કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને કનોડિયા પરિવારને સાંત્વના આપી હતી. તેના પછી તેઓ ગાંધીનગર જઈ કેવડિયા પહોંચ્યા હતા. આ ઉપરાંત તેમણે આ મુલાકાતમાં સી-પ્લેન સર્વિસનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.