///

વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનનું કર્યુ શિલાન્યાસ, કહ્યું- દેશવાસીઓ માટે ગર્વનો દિવસ

વડાપ્રધાન મોદીએ આજે ગુરૂવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સંસદ ભવનનું પૂજન કરી અને આધારશીલા રાખી હતી. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને 130 કરોડ ભારતીયો માટે ગર્વનો દિવસ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતના લોકશાહીના ઈતિહાસમાં માઈલ સ્ટોન જેવો છે. આપણે ભારતના લોકો મળીને આપણી સંસદના આ નવા ભવનને બનાવીશું અને તેનાથી સુંદર શું હશે. તેનાથી પવિત્ર શું હોય કે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ ઉજવે તો તે પર્વની સાક્ષાત પ્રેરણા, આપણી સંસદની નવી ઈમારત બને.

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પહેલીવાર સંસદ પહોંચ્યાની ક્ષણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું મારા જીવનની એ ક્ષણ ક્યારેય ભૂલી શકીશ નહી. જ્યારે 2014માં પહેલીવાર એક સાંસદ તરીકે મને સંસદ ભવનમાં આવવાનો અવસર મળ્યો. ત્યારે લોકતંત્રના આ મંદિરમાં પગ મૂકતા પહેલા, મે શિશ ઝૂકાવીને, માથું ટેકીને લોકતંત્રના આ મંદિરને નમન કર્યા હતાં.’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા હાલના સંસદ ભવને આઝાદીના આંદોલન અને ત્યારબાદ સ્વતંત્ર ભારતને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઝાદ ભારતની પહેલી સરકાર પણ અહીં બની અને પહેલી સંસદ પણ અહીં જ બેઠી હતી. તેમણે કહ્યું કે જૂના સંસદ ભવને સ્વતંત્રતા બાદના ભારતને દિશા આપી, તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના ભવનમાં દેશની જરૂરિયાતોની પૂર્તિનું કામ થયું તો નવા ભવનમાં 21મી સદીના ભારતની આકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સંસદના શક્તિશાળી ઈતિહાસની સાથે જ યર્થાર્થને સ્વીકારવાની પણ એટલી જ જરૂરિયાત છે. આ ઈમારત હવે લગભગ 100 વર્ષની થઈ રહી છે. વીતેલા વર્ષોમાં તેને જરૂરિયાત મુજબ અપગ્રેડ કરવામાં આવી. અનેક નવા સુધારાઓ બાદ સંસદનું આ ભવન હવે વિશ્રામ માગે છે. વર્ષોથી નવા સંસદ ભવનની જરૂરિયાત મહેસૂસ કરાઈ છે. તેવામાં આપણા બધાની એ જવાબદારી છે કે 21મી સદીના ભારતને નવું સંસદ ભવન મળે. આ કડીમાં આ શુભારંભ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.