///

MSP અને કૃષિ કાયદા અંગે વડાપ્રધાન મોદીએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું…

કૃષિ કાયદાને સમજાવવા માટે મધ્ય પ્રદેશના રાયસેનમાં કિસાન મહાસંમેલન ચાલી રહ્યું છે. આ મહાસંમેલનને વડાપ્રધાન મોદી સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન અગાઉ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે એમપીના મહેનતી ખેડૂતોને મારા કોટિ કોટિ નમન છે. રાયસેનમાં એક સાથે આટલી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. વડાપ્રધાને ફરીથી એકવાર કૃષિ કાયદા અંગે ફેલાવવામાં આવેલા ભ્રમને દૂર કરવાની કોશિશ કરી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઓળા પડવાથી, કુદરતી આફતોના કારણે મધ્ય પ્રદેશના ખેડૂતોને ખુબ નુકસાન થયું છે. આજે આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના એવા 35 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 1600 કરોડ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. આજે અહીં કાર્યક્રમમાં અનેક ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. પહેલા દરેક ખેડૂતને આ કાર્ડ મળતું નહતું. અમારી સરકારે દેશના દરેક ખેડૂતને કિસાન ક્રિડિટ કાર્ડની સુવિધા આપવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે.

વડાપ્રધાને કહ્યું કે ઝડપથી બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતના ખેડૂત, સુવિધાઓના અભાવમાં, આધુનિક પદ્ધતિઓના અભાવમાં અસહાય થતા ગયા હતાં. તે સ્થિતિ સ્વીકાર્ય નથી. પહેલેથી જ બહુ મોડું થઈ ગયું છે. જે કામ 25-30 વર્ષ પહેલા થવું જોઈતું હતું, તે હવે થઈ રહ્યું છે. ભારતની કૃષિ, ભારતના ખેડૂત અને વધુ પાછળ રહી શકે નહીં. દુનિયાના મોટા મોટા દેશોના ખેડૂતોને જે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે તે સુવિધા ભારતના ખેડૂતોને પણ મળે. તેમાં હવે વધુ મોડું થઈ શકે નહી.

કૃષિ કાયદા પર વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ખેડૂતો માટે જે કાયદા બન્યા તેની ખુબ ચર્ચા છે. આ કૃષિ સુધાર કાયદા રાતો રાત નથી આવ્યા. છેલ્લા 20-22 વર્ષથી દરેક સરકારે તેના પર વ્યાપક ચર્ચા કરી છે. ઓછા વધુ દરેક સંગઠનોએ તેના પર વિમર્શ કર્યો છે. ખરેખર તો દેશના ખેડૂતોએ એવા લોકો પાસે જવાબ માંગવા જોઈએ જે પહેલેથી પોતાના ઘોષણાપત્રમાં આ સુધારાઓની વાત લખતા રહ્યાં, ખેડૂતોના મત મેળવતા રહ્યાં, પરંતુ કર્યું કશું નહીં. આ માંગણીઓ ફક્ત ટાળતા રહ્યા અને દેશના ખેડૂત, રાહ જોતા રહ્યાં.

વડાપ્રધાને કહ્યું કે મને લાગે છે કે તેમની પીડા એ વાતથી નથી કે કૃષિ કાયદામાં સુધાર કેમ થયો. તેમને તકલીફ એ વાતની છે કે જે કામ અમે કહેતા હતા અને કરી શકતા નહતા તે હવે મોદીએ કેવી રીતે કર્યું, મોદીએ કેમ કર્યું. હું તમામ રાજકીય પક્ષોને કહેવા માગુ છું કે તમે તમારી ક્રેડિટ તમારી પાસે રાખો. મને ક્રેડિટ જોઈતી નથી. મને ખેડૂતોના જીવનમાં સરળતા જોઈએ, સમૃદ્ધિ જોઈએ. ખેતીમાં આધુનિકતા જોઈએ. કૃપા કરીને ખેડૂતોને બહેકાવવાનું, તેમને ભ્રમિત કરવાનું છોડી દો.

વડાપ્રધાન બોલ્યા કે અચાનક ભ્રમ અને જુઠ્ઠાણાની જાળ બિછાવીને તમારી રાજકીય જમીન મેળવવાના ખેલ ખેલાઈ રહ્યા છે. ખેડૂતોના ખભે બંદૂક રાખીને વાર કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોની વાત કરનારા લોકો કેટલા નિર્દયી છે, તેનો મોટો પુરાવો છે સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ. આ લોકો સ્વામીનાથન કમિટીની ભલામણો 8 વર્ષ સુધી દબાવીને બેઠા. ખેડૂત આંદોલન કરતા હતા, પ્રદર્શન કરતા હતા પરંતુ આ લોકોના પેટનું પાણી પણ ન હલ્યું.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે સરકાર વારંવાર પૂછી રહી છે, જનતામા, મીટિંગમાં કે તમને કાયદામાં કઈ જોગવાઈમાં સમસ્યા છે, તો તે રાજકીય પક્ષો પાસે કોઈ નક્કર જવાબ નથી હોતો. આ જ આ પક્ષોની સચ્ચાઈ છે. આપણા દેશમાં ખેડૂતો સાથે ફ્રોડનું મોટું ઉદાહરણ છે કોંગ્રેસ સરકારો દ્વારા કરાયેલી કરજમાફી. જ્યારે 2 વર્ષ પહેલા મધ્ય પ્રદેશમાં ચૂંટણી થવાની હતી ત્યારે તો 10 દિવસની અંદર કરજમાફીનું વચન અપાયું હતું. કેટલા ખેડૂતોના કરજ માફ થયા?

તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ કેવા કેવા બહાના કાઢવામાં આવ્યા તે મધ્ય પ્રદેશના ખેડૂતો મારા કરતા પણ વધુ સારી રીતે જાણે છે. રાજસ્થાનના લાખો ખેડૂતો પણ આજ સુધી કરજમાફીની રાહ જોઈ રહ્યા છે. ખેડૂત વિચારતો હતો કે હવે તો પૂરેપૂરું કરજ માફ થઈ જશે અને બદલામાં તેને મળતું હતું બેન્કોની નોટિસ અને ધરપકડના વોરન્ટ. કરજમાફીનો સૌથી મોટો લાભ કોને મળતો હતો? તેમના નીકટના લોકોને. અમારી સરકારે જે પીએમ કિસાન યોજના શરૂ કરી તેમાં દર વર્ષે ખેડૂતોને લગભગ 75 હજાર કરોડ રૂપિયા મળશે. એટલે કે 10 વર્ષમાં લગભગ સાડા 7 લાખ કરોડ રૂપિયા. ખેડૂતોના બેન્ક ખાતાઓમાં સીધી ટ્રાન્સફર. કોઈ લીકેજ નહીં, કોઈને કોઈ કમીશન નહી.

PM મોદીએ યુરિયા વિશે વાત કરતા કહ્યું કે દેશના ખેડૂતોને યુરિયાની યાદ અપાવીશ. યાદ કરો 7-8 વર્ષ પહેલા યુરિયાની શું હાલત હતી. રાત ભર ખેડૂતોએ યુરિયા માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું કે નહીં? અનેક સ્થળોએ, યુરિયા માટે ખેડૂતો પર લાઠીચાર્જના અહેવાલ આવતા હતા કે નહીં. આજે યુરિયાની અછતના સમાચાર નથી આવતા. યુરિયા માટે ખેડૂતોએ લાઠી ખાવી પડતી નથી. અમે ખેડૂતોની આ તકલીફ દૂર કરવા માટે પૂરેપૂરી ઈમાનદારીથી કામ કર્યું.

વડાપ્રધાને કહ્યું કે જો જૂની સરકારોને ચિંતા હોત તો દેશમાં 100 જેટલા મોટા સિંચાઈ પ્રોજેક્ટ દાયકા સુધી ન લટકત. વિચારો..બંધ બાંધવાનો શરૂ થયો તો પચ્ચીસ વર્ષ સુધી બનતો જ રહ્યો છે. બંધ તો બની ગયો, નહેર ન બની, નહેર બની તો નહેરોને પરસ્પર જોડવામાં ન આવી. હવે અમારી સરકાર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરીને આ સિંચાઈ પ્રોજેક્ટ્સને મિશન મોડમાં પૂરા કરવામાં લાગી છે.

વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોને ખર્ચ ઓછો થાય તે માટે પણ સરકારે સતત પ્રયત્નો કર્યા છે. ખેડૂતોને સોલર પંપ ખુબ ઓછા ભાવે આપવા માટે દેશભરમાં મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમે અમારા અન્નદાતાઓને ઉર્જાદાતા બનાવવા ઉપર પણ કામ કરી રહ્યા છે. મત્સ્ય પાલનને પ્રોત્સાહન આપવા માટે અમારી સરકાર બ્લ્યુ રિવોલ્યુશન સ્કીમ ચલાવી રહી છે. થોડા સમય પહેલા જ 20 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી મસ્ત્ય સંપદા યોજના પણ શરૂ કરાઈ છે. આ જ પ્રયત્નોનું પરિણામ છે કે દેશમાં માછલી ઉત્પાદનના છેલ્લા તમામ રેકોર્ડ તૂટ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું વિશ્વાસ સાથે કહું છું કે મે હાલમાં જે કૃષિ સુધાર કર્યા તેમાં અવિશ્વાસનું કારણ જ નથી, જૂઠ્ઠાણા માટે કોઈ જગ્યા જ નથી. સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવાનું કામ અમારી સરકારે કર્યું. જો અમારે MSP હટાવવી જ હોત તો સ્વામીનાથનનો રિપોર્ટ શું કામ લાગુ કરત? અમારી સરકાર MSP અંગે એટલી ગંભીર છે કે દર વખતે, વાવણી પહેલા MSPની જાહેરાત કરે છે. જેનાથી ખેડૂતોને પણ સરળતા રહે છે, તેમને પહેલેથી ખબર પડી જાય છે કે આ પાક પર આટલી MSP મળવાની છે.

વધુ જણાવતા વડાપ્રધાને કહ્યું કે ગત સરકારમાં ધાન પર MSP હતી 1310 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. અણારી સરકાર પ્રત્યેક ક્વિન્ટલ ધાન પર લગભગ 1870 રૂપિયા MSP આપે છે. ગત સરકારમાં જુવાર પર MSP 1520 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. અમારી સરકાર જુઆર પર 2640 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ MSP આપે છે. ગત સરકારમાં મસૂરની દાળ પર MSP 2950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે અમારી સરકાર પ્રતિ ક્વિન્ટલ મસૂર દાળ પર 5100 રૂપિયા MSP આપે છે.

ગત સરકારના વખતે તુવેર દાળ પર MSP 4300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે અમારી સરકાર તુવેર દાળ પર પ્રતિ ક્વિન્ટલ 6000 રૂપિયા આપે છે. ગત સરકારના સમયે મગની દાળ પર MSP 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જ્યારે અમારી સરકાર મગની દાળ પર 7200 જેટલી MSP આપે છે. આ બધુ એ વાતનો પુરાવો છે કે અમારી સરકાર MSP સમયાંતરે વધારવા પર કેટલું મહત્વ આપે છે. કેટલી ગંભીરતાથી લે છે. MSP વધારવાની સાથે જ સરકારનું ભાર એ વાત ઉપર પણ રહ્યું છે કે વધુમાં વધુ અનાજની ખરીદી MSP પર થાય.

Leave a Reply

Your email address will not be published.