વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર આશરે સવારે 9.40 પહોંચી ગયા હતાં. જ્યાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ગુજરાતના રાજ્યપાલ, મુખ્યપ્રધાન રૂપાણી અને ભાજપના નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર જવા રવાના થયા હતાં. જ્યાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચી શ્રદ્ધાંજલી પાઠવી પરિવારજનોને મળી તેમને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ વડાપ્રધાને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના પરિવારને મળી શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં કેશુભાઇ પટેલના નિધનને કારણે છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પહેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી પહેલા કેવડિયા જવાના હતાં.
મહત્વનું છે કે વડાપ્રધાન મોદી કેવડીયા ખાતે 17 યોજનાઓનું લોકાર્પણ કરશે. જેમાં સી પ્લેનનો પણ સમાવેશ છે.
વડાપ્રધાન શનિવારે સી-પ્લેનના ઉદ્ધઘાટન માટે અમદાવાદમાં
શુક્રવારે સવારે અમદાવાદ આવ્યા બાદ કેવડિયા જઈ એકતા દિનની ઉજવણીનાં કાર્યક્રમોમાં ભાગ લેશે. બાદમાં આવતીકાલે શનિવારના રોજ વડાપ્રધાન મોદી ફરીથી અમદાવાદ આવશે. સી-પ્લેનમાં અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની સુવિધાનું લોકાર્પણ કરશે. આ સમગ્ર કાર્યક્રમ બાદ વડાપ્રધાન એરપોર્ટથી દિલ્હી રવાના થશે.