///

સંવિધાન દિવસ : વડાપ્રધાન મોદીએ કહ્યું દેશને હવે વન નેશન વન ઇલેક્શનની જરૂર

સંવિધાન દિવસના પ્રસંગે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર વન નેશન વન ઇલેક્શનની વાત પર ભાર મૂક્યો છે. ગુરુવારે ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સના સંમેલનને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા થવી ખૂબ જરૂરી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વન નેશન વન ઇલેક્શન માત્ર વિચાર-વિમર્શનો મુદ્દો નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓ વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરે છે અને તેના વિશે આપ સૌ જાણો છો. આપણે તેના વિેશ ગંભીરતાથી વિચારવું જોઈએ.

PM મોદીએ કહ્યું કે, લોકસભા, વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ માટે એક મતદાર યાદીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આ તમામ યાદીઓ પર સમય અને નાણા કેમ બરબાદ કરી રહ્યા છીએ?

આ પહેલા વડાપ્રધાને કહ્યું કે, હું દરેક ભારતીય નાગરિકને સંવિધાન દિવસની શુભકામનાઓ પાઠવું છું. હું સંવિધાન રચવામાં સામેલ તમામ સન્માનિત વ્યક્તિઓને ધન્યવાદ આપવા માંગું છું. વડાપ્રધાને કહ્યું કે આજે ગુરૂવારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બાબા સાહેબ આંબેડકરથી લઈને સંવિધાન સભાના તમામ વ્યક્તિઓને પણ નમન કરવાનો દિવસ છે, જેમના અથાગ પ્રયાસોથી દેશને સંવિધાન મળ્યું છે. આજનો દિવસ પૂજ્ય બાપૂની પ્રેરણાને, સરદાર પટેલની પ્રતિબદ્ધતાને પ્રણામ કરવાનો દિવસ છે.

વડાપ્રધાને કહ્યું કે, આજની તારીખ, દેશ પર સૌથી મોટા આતંકી હુમલા સાથે જોડાયેલી છે. પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં. અનેક દેશોના લોકો માર્યા ગયા હતાં. હું મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

વડાપ્રધાને કહ્યું કે, આજે મુંબઈ હુમલા જેવા કાવતરાને નિષ્ફળ કરી રહેલા આતંકને એક નાના વિસ્તારમાં સમેટી દેનારા, ભારતની રક્ષામાં દરેક ક્ષણે ખડેપગે રહેનારા આપણા સુરક્ષાદળોને પણ વંદન કરું છું. તેમણે કહ્યું કે, પ્રિસાઇડિંગ ઓફિસર્સના રૂપમાં, આપણા લોકતંત્રમાં આપણી અગત્યની ભૂમિકા છે. આપ સૌ લોકો અને રાષ્ટ્રની વચ્ચે એક અગત્યની કડી છો.

Leave a Reply

Your email address will not be published.