///

PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું- ખેડૂતોના નામે પોતાના ઝંડા લઇને રમત રમી રહ્યાં છે તેને સત્ય સાંભળવુ પડશે

ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફેરફાર લઇ આવવાના અભિયાન હેઠળ વડાપ્રધાન મોદીએ આજે ખેડૂતોને સંબોધન કર્યું હતું. તે દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં ‘પીએમ કિસાન સન્માન નિધિ’ હેઠળ 7મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ માટે 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા છે. વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવેલા આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતાં.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે આજનો દિવસ ખુબ જ પાવન છે. ખેડૂતોને આજે જે સન્માન નિધિ મળી છે તેની સાથે જ આજનો દિવસ અનેક અવસરોનો સંગમ બનીને આવ્યો છે. આજે મોક્ષદા એકાદશી છે, ગીતા જયંતી છે. આજે જ ભારત રત્ન મહામના મદનમોહન માલવીયજીની જયંતી પણ છે. આજે જ આપણા પ્રેરણા પુરુષ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની પણ જન્મજયંતી છે. તેમની સ્મૃતિમાં આજે દેશ ગુડ ગવર્નન્સ ડે પણ ઉજવી રહ્યો છે.

વડાપ્રધાને કહ્યું કે આજે દેશના 9 કરોડથી વધુ ખેડૂત પરિવારના બેન્ક ખાતામાં એક જ ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજના શરૂ થઈ છે. ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂક્યા છે.

વડાપ્રધાન મોદીએ આજના સંબોધનમાં બંગાળને પણ ટાર્ગેટ કર્યુ હતું. આ તકે વડાપ્રધાને કહ્યું કે મને આજે અફસોસ છે કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ બહેનોને તેનો લાભ મળી શક્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. પરંતુ રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને આટલા લાંબા સમય સુધી રોકી રાખી છે. સ્વાર્થની રાજનીતિ કરનારાઓને જનતા ખુબ નીકટતાથી જોઈ રહી છે. જે પક્ષ પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના અહિત પર કઈ નથી બોલતા તે પક્ષ અહીં ખેડૂતોના નામ પર દિલ્હીના નાગરિકોને પરેશાન કરવામાં લાગ્યા છે, દેશની અર્થનીતિને બરબાદ કરવામાં લાગ્યા છે. જે લોકો 30-30 વર્ષ સુધી બંગાળમાં રાજ કરતા હતાં, એક એવી રાજનીતિક વિચારધારાને લઈને તેમણે બંગાળને ક્યાંથી ક્યા લઈને ઊભું કરી દીધુ તે આખો દેશ જાણે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મમતાજીના 15 વર્ષ જૂના ભાષણો સાંભળશો તો ખબર પડશે કે આ વિચારધારાએ બંગાળને કેટલું બરબાદ કરી દીધુ. આ એજ લોકો છે જે વર્ષો સુધી સત્તામાં રહ્યાં. તેમની નીતિઓના કારણે દેશની ખેતી અને ખેડૂતોનો એટલો વિકાસ ન થઈ શક્યો જેટલું તેમનામાં સામર્થ્ય હતું.

પહેલાની સરકારોની નીતિઓના કારણે સૌથી વધુ બરબાદ નાના ખેડૂતો થયા. હું આ પક્ષોને પૂછું છું કે ફોટા માટે કાર્યક્રમો કરો છો, જરા કેરળમાં આંદોલન કરીને ત્યાં APMC તો ચાલુ કરાવો. પંજાબના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો સમય છે, કેરળમાં આ વ્યવસ્થા શરૂ કરવા માટે તમારી પાસે સમય નથી. શું તમે લોકો બેવડી નીતિ લઈને ચાલી રહ્યા છો.

વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોના નામે પોતાના ઝંડા લઈને જે ખેલ ખેલી રહ્યા છો હવે તેમણે સત્ય સાંભળવું પડશે. આ લોકો અખબાર અને મીડિયામાં જગ્યા બનાવીને, રાજકીય મેદાનમાં પોતાના અસ્તિત્વની જડીબૂટી શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે 2014માં સરકાર બન્યા બાદ અમારી સરકારે નવા એપ્રોચ સાથે કામ કરવાનું શરૂ કર્યું. અમે દેશના ખેડૂતોની નાની નાની મુશ્કેલીઓ, કૃષિના આધુનિકીકરણ અને તેના ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવા પર ધ્યાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published.