વડાપ્રધાન મોદી દેશની સરહદો પર રક્ષા કરનારા જવાનો સાથે જ દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. આજે દિવાળીના અવસર પર વડાપ્રધાન મોદી ભારત-પાકિસ્તાન સરહદ પાસે આવેલા જેસલમેર ખાતે જઇ રહ્યા છે. જ્યાં સરહદ પર તૈનાત જવાનો વચ્ચે દિવાળીના તહેવારની ઉજવણી કરશે.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી વિશેષ પ્લેન દ્વારા જેસલમેર સ્થિત એરફોર્સ સ્ટેશન પહોંચશે. ત્યારબાદ એરપોર્ટ કેમ્પસમાં જ વાયુસેનાના અધિકારીઓ અને જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે.
સવારે 9 કલાકે ભારત-પાકિસ્તાન સ્થિત લોંગેવાલા પોસ્ટ જે 1971ના યુદ્ધમાં સાહસનું પ્રતિક માનવામાં આવે છે, ત્યાં જવા રવાના થશે. વડાપ્રધાન મોદીની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત અને મનોજ મુકુંદ નરવણે સહિત સેનાના કેટલાક અધિકારીઓ પણ હાજર રહેશે. લોંગેવાલા પોસ્ટ પર 1971ના ભારત-ુપાકિસ્તાન યુદ્ધ દરમિયાન કુલદીપ સિંહ ચાંદપુરીના નેતૃત્વમાં 120 ભારતીય જવાનોએ પરાક્રમ દાખવતા પાકિસ્તાનની પુરી ઈન્ફેન્ટ્રી બ્રિગેડ અને ટી-59 ટેન્કોની એક રેજીમેન્ટને ધુળ ચટાવી હતી.