///

વડાપ્રધાન મોદી 25 ડિસેમ્બરે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવશે : સી.આર.પાટીલ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશના પદાધિકારી, ધારાસભ્ય, સાંસદ, જિલ્લા ભાજપા પ્રમુખ, મહામંત્રી, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઇન્ચાર્જ સાથેની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી. પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, ભાર્ગવ ભટ્ટ, ગોરધન ઝડફીયા , પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુ જેબલિયા, પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા તથા પ્રદેશ ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આગામી 25 ડિસેમ્બરે ભારત રત્ન, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી છે. પ્રત્યેક વર્ષે અટલજીના જન્મદિવસને ભાજપા દ્વારા ‘સુશાસન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના હેઠળ 09 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, 25 ડિસેમ્બરના સુશાસન દિવસે વડાપ્રધાન મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત બપોરે 12 કલાકે વડાપ્રધાન મોદી દ્વારા ખેડૂત હિત અને ખેડૂતો માટે કૃષિ બિલનું મહત્વ વિશે સમગ્ર દેશની જનતાને સંબોધિત કરવામાં આવશે. તેમજ વડાપ્રધાન મોદીના હસ્તે અભૂતપૂર્વ અને ઐતિહાસિક કૃષિ સહાય રૂપે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ” યોજના હેઠળ 09 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.