///

વડાપ્રધાન મોદીની આજે મુખ્યપ્રધાનો સાથે મહત્વની બેઠક

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે સારા સમાચાર એ છે કે ટૂંક સમયમાં ભારતમાં કોરોનાની વેક્સીનને મંજૂરી મળી શકે છે. પરંતુ વેક્સીન દેશમાં 130 કરોડ લોકો સુધી કેવી રીતે પહોંચાડાશે તેને લઈને વડાપ્રધાન મોદી આજે મંગળવારે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે અગત્યની બેઠક કરશે.

મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી બેઠકમાં વડાપ્રધાન મોદી મુખ્યપ્રધાનો સાથે રાજ્યોમાં કોરોના સંકટની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ બેઠકમાં કોરોના વેક્સીનના વિતરણને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે કોરોના સંકટ આવ્યા બાદથી વડાપ્રધાન રાજ્યો સાથે સતત વાતચીત કરતા રહે છે. દેશમાં વધતા કોરોના સંક્રમણના કેસ વચ્ચે વડાપ્રધાન મોદીએ ગત સપ્તાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં દેશમાં કોરોના વેક્સીનને લઈને તૈયાર કરવામાં આવી રહેલી રણનીતિ વિશે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન સાથે યોજાનારી આ મહત્વની બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વી.કે.પૉલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન કરશે. નોંધનીય છે કે બંને કોરોનાને લઈને બનેલી એક્સપર્ટ કમિટીના અગત્યના સભ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે જૂલાઈ 2021 સુધી 20થી 25 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન પહેલા જ કહી ચૂક્યા છે કે માર્ચ 2021 સુધી વેક્સીન મળવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published.