////

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાનગીકરણ, આ કંપની સંભાળશે ચાર્જ

સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવેથી અદાણી ગૃપ કરશે. અદાણી જૂથ સાતમી નવેમ્બરથી તેનું સંચાલન સંભાળવાનું છે. એરપોર્ટના ખાનગીકરણ માટેની દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેના પગલે સાતમી નવેમ્બરથી એરપોર્ટ પર અદાણીના બેનર લાગી જશે. આ ટર્મિનલનું ઓપરેશન અને એરપોર્ટના વિકાસનું કામ અદાણી સંભાળશે. અદાણીએ સ્ટાફને ટ્રેનિંગ આપવાનો પણ પ્રારંભ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે અદાણીએ થોડા દિવસ પહેલા જ લખનૌ એરપોર્ટનું સંચાલન સંભાળ્યુ હતું. હવે તેને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન મળ્યું છે. આ સિવાય મુંબઈના એરપોર્ટની માલિકી પણ તેની પાસે છે.

આમ, અમદાવાદ એરપોર્ટનું સાત વર્ષ પછી ખાનગીકરણ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)એ ભારતીય એરપોર્ટ પર વિશ્વસ્તરની સેવા પૂરી પાડવા માટે તેના ખાનગીકરણનો નિર્ણય લીધો તેમા અદાણીને સ્થાન મળ્યુ છે. અદાણી ગૃપને 50 વર્ષ માટે આ એરપોર્ટના સંચાલનનો અધિકાર મળ્યો છે.

સરકારે ગયા વર્ષે 6 એએઆઇ સંચાલિત એરપોર્ટ પીપીપી મોડમાં ખાનગીકરણ માટે મૂક્યા હતાં. તેમા અદાણી અમદાવાદ, તિરુવનન્તપુરમ, લખનૌ, મેંગ્લુરુ અને જયપુર એરપોર્ટ માટે ટોચના બિડર તરીકે ઉભરી આવ્યું હતું.

આ બિડ જીતવાની સાથે અદાણી જૂથ આ એરપોર્ટના સંચાલન માટે પ્રતિ પેસેન્જર 177 રૂપિયા એએઆઇને ચૂકવશે. અદાણી જૂથે લખનૌ, જયપુર, તિરુવનન્તપુરમ, મેંગ્લુરુ અને અમદાવાદ એરપોર્ટનું સંચાલન મળવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.