///

માવઠાથી જગતનો તાત મુશ્કેલીમાં, રાજ્યમાં 3 દિવસ સુધી મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ રહેશે

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓ કમોસમી વરસાદથી ભીંજાયા છે. ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. જેના પગલે ખેતરમાં ઉભો પાક અને યાર્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ છે. જેને કારણે હવે 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે.

રાજ્યમાં કમોસમી વરસાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં મગફળીની ખરીદી નહિ કરવામાં આવે. જેમાં 10, 11 અને 12 ડિસેમ્બરે મગફળી ખરીદી નહિ કરવામાં આવે. માવઠાના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા કરેલા રવિ પાક કપાસ, મકાઈ, ઘઉં અને ડાંગરને મોટાપાયે નુકસાન થયું છે. તો સાથે જ જીરું, ચણા, ડુંગળી અને બટાટાને ભારે નુકસાન થયું છે. દિવેલા, તુવેર, લીલા શાકભાજી, ઘાસચારાને પણ નુકસાન થયું છે.

આ ઉપરાંત વડોદરામાં માવઠાથી શાકભાજી પકવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માવઠાને પગલે શાકભાજીના પાક નિષ્ફળ જવાનો ભય હાલ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. ફ્લાવર, મેથી, બટાટા, સરગવા, લસણ, કોબીજ સહિતના પાકમાં ભારે નુકસાનની શક્યતા છે. તો શાકભાજી પલળી જતા વેપારીઓ તેને ખરીદી નહિ શકે. જેથી ખેડૂતોને નુકસાની થઈ શકે છે. તો

તો બીજી તરફ, છોટાઉદેપુરમાં આવેલા નસવાડીમાં કપાસનો મોટો જથ્થો વરસાદમાં પલળી ગયો છે. અંદાજે 1000થી વધુ કપાસની ગાસડીઓ પાણીમાં પલળી ગઈ છે. 3 હજાર ક્વિન્ટલ કપાસ કમોસમી વરસાદના પાણીમાં પલળી રહ્યો છે. તો તાપીના વ્યારામાં માવઠાથી ભારે નુકસાન થયું છે. વ્યારા APMCમાં માવઠાથી ડાંગરની બોરીઓ પલળી ગઈ છે. જેથી વેપારીઓએ ડાંગરની બોરીઓ સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી આરંભી છે. હજુ પણ 2 દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અતિવૃષ્ટિ બાદ આવેલા માવઠાથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.