દેશમાં છેલ્લા 17 દિવસથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
દિલ્હી અને તેની બોર્ડર પર ખેડૂતો હજારોની સંખ્યામાં એકઠા થઇને આંદોલન કરી રહ્યાં છે. ત્યારે આ ખેડૂતોમાંથી કેટલાકની મોત નિપજ્યાં છે. જે બાદ કોંગ્રેસ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે. આંદોલનમાં ખેડૂતોની મોત પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે અને સવાલો પૂછ્યા છે. તેઓઓ એક મીડિયા રીપોર્ટ શેર કરતા સવાલ કર્યો કે કૃષિ કાયદાને હટાવવા માટે અમારા ખેડૂત ભાઈઓને હજુ કેટલા બલિદાન આપવા પડશે ?
નોંધનીય છે કે આ મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી 11 ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. જે બાદ હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. આ પહેલા પંજાબનાં મુખ્યપ્રધાને પણ નિવેદન આપ્યું હતું કે આંદોલનમાં જે ખેડૂતોનું નિધન થયું છે તેમને વળતર આપવામાં આવશે.
આ પહેલા રાહુલ ગાંધીએ કૃષિ કાયદા મુદ્દે અન્ય નેતાઓ સાથે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરી હતી. રાહુલ ગાંધીનું કહેવું છે કે સરકાર નવા કાયદાઓની મદદથી ખેડૂતોની આવક બિહારના ખેડૂતો જેટલી કરી દેવા માગે છે જ્યારે આંદોલન કરી રહેલા ખેડૂતો આખા દેશના ખેડૂતોની આવક પંજાબના ખેડૂતો જેટલી થાય તેની માગ કરી રહ્યા છે.