////

હજુ કેટલા અન્નદાતાઓની કુરબાની આપવી પડશે: રાહુલ ગાંધી

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનને પગલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં રાહુલ ગાંધીએ ખેડૂતોના મોતના એક સમાચારને ટ્વીટ કરતા લખ્યું છે કે, હજુ કેટલા અન્નદાતાઓની કુરબાની આપવી પડશે? કૃષિ વિરોધી કાયદા ક્યારે ખતમ કરવામાં આવશે?

તો બીજી બાજુ પીએમ મોદીએ પણ ટ્વીટ કરી ખેડૂતોને અપીલ કરી હતી કે, આજે જે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે, તે પણ પોતાના સમયમાં આ કૃષિ સુધારાનું સમર્થન કરતા રહ્યા છે. હું ખેડૂત ભાઇ-બહેનોને ફરી કહી રહ્યો છું કે તેમની દરેક શંકાના સમાધાન માટે ભાજપ સરકાર 24 કલાક તૈયાર છે.

ત્યારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે કેટલાક તબક્કાની વાતચીત બાદ પણ કોઇ પરિણામ આવી શક્યું નથી. ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગુરૂવારે ભાજપ ઓફિસ પર થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સપ્ટેમ્બરમાં બનેલા ત્રણ કૃષિ કાયદાને મજબૂતિથી ડિફેન્ડ કરવાની સાથે ખેડૂતોનું સમર્થન મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, વિપક્ષ અને કેટલાક સંગઠનો તરફથી ફેલાવવામાં આવેલા ભ્રમને દૂર કરતા ત્રણેય કાયદાને પાર્ટીના કાર્યકર્તાઓએ મજબૂતીથી બચાવ કરવા માટે સતત અભિયાન ચલાવવુ જોઇએ, જ્યારે દેશભરમાં ખેડૂત હકીકત જાણશે તો ભ્રમ દૂર થશે, જેનાથી આંદોલનની અસર ઓછી થશે. આ બેઠકમાં ખેડૂતો વચ્ચે જનસંપર્ક અભિયાનમાં વધારો કરવા પર ભાર આપવામાં આવ્યો છે.

ગૃહપ્રધાન અમિત શાહ, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલ અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં મહાસચિવ અને અન્ય પદાધિકારીઓ સાથે મીટિંગ થઇ હતી. આ બેઠકમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત સંગઠનો સાથે અત્યાર સુધી ચાલેલી વાતચીતમાં ઉઠેલા મુદ્દાની જાણકારી આપી છે.

Leave a Reply

Your email address will not be published.