///

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે રેલ્વે વિભાગના ખાનગીકરણને લઇને કરી સ્પષ્ટતા, જૂઓ શું કહ્યું

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે મંગળવારે સ્પષ્ટતા કરી છે કે, રેલ્વે ભારતની સંપત્તિ છે, તેનું ખાનગીકરણ કદાપી નહીં થાય. જેમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મુસાફરોને સારી સુવિધાઓ મળે, રેલવે દ્વારા અર્થવ્યવસ્થા મજબૂત બને, આવા કામો માટે ખાનગી ક્ષેત્રનું રોકાણ રાષ્ટ્રીય હિતમાં રહેશે.

લોકસભામાં વર્ષ 2021-22 માટે રેલ્વે મંત્રાલયના નિયંત્રણ હેઠળ અનુદાનની માગ અંગે ચર્ચાના જવાબમાં પિયુષ ગોયલે જણાવ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ એ છે કે કેટલાક સાંસદો ખાનગીકરણ અને કોર્પોરેટરાઇઝેશનનો આરોપ લગાવે છે. ભારતીય રેલ્વેનું ક્યારેય ખાનગીકરણ કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે, હું ખાતરી આપું છું કે રેલ્વે ભારતની સંપત્તિ છે, તેનું ક્યારેય ખાનગીકરણ કરવામાં નહીં આવે.

ત્યારે નોંધનીય છે કે, સોમવારે ચર્ચા દરમિયાન કોંગ્રેસના જસબીરસિંહ ગિલ, આઈ.યુ.એમ.એલ.ના ઈ.ટી. મોહમ્મદ બશીર સહિત કેટલાક અન્ય સભ્યોએ રેલ્વેનું ખાનગીકરણ કરવાના પ્રયાસ સંબંધી ટિપ્પણી કરી હતી. રેલ્વે મંત્રીએ જણાવ્યું કે, રસ્તાઓ પણ સરકારે બનાવ્યા છે, તો શું કોઈ કહે છે કે તેના પર ફક્ત સરકારી વાહનો દોડશે. રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનો ચાલે છે, ત્યારે જ પ્રગતિ થાય છે અને ત્યારે જ દરેકને સુવિધા મળશે. શું રેલ્વેમાં એવું ન થવું જોઈએ? મુસાફરોને સારી સુવિધાઓ ન મળવી જોઇએ?

તેમણે જણાવ્યું કે, માલવાહક ટ્રેનો ચાલે અને તેના માટે જો ખાનગી ક્ષેત્ર રોકાણ કરે છે તો તેના પર વિચાર ના થવું જોઇએ? મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા સાત વર્ષોમાં રેલ્વેમાં લિફ્ટ, એસ્કેલેટર અને અન્ય સુવિધાઓના વિસ્તરણ તરફ અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે જો આપણે અત્યાધુનિક રેલ્વે બનાવવી હોય તો ઘણાં રૂપિયાની જરૂર પડશે. સરકાર અને ખાનગી ક્ષેત્ર જ્યારે સાથે મળીને કામ કરશે, ત્યારે જ આપણે દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં સફળ રહીશું. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રેલ્વેએ જેટલું માલ સપ્લાય કર્યું છે, તે ભારતીય રેલ્વેના ઇતિહાસમાં સર્વોચ્ચ છે.

આ અગાઉ કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે, LICના આઈપીઓ શરૂ કરવાની દરખાસ્ત છે અને આ પગલાથી કોઈ પણ કર્મચારીની નોકરી નહીં જાય અને LIC અને રોકાણકારો બંનેને ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, જાહેર ક્ષેત્રના બે બેંકો સાથે સંબંધિત મુદ્દાને લઇ નવ યુનિયનોના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 અને 16 માર્ચે હડતાલની હાકલ કરી છે. યુનિયનનો દાવો છે કે અંદાજે 10 લાખ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલમાં સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.